tamba vasan saf karava mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામાન્ય રીતે આપણા રસોડામાં એક નહિ પણ અનેક પ્રકારના વાસણોનો ઉપયોગ થાય છે. જેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, કાચ, ચિનાઈ માટી અને પિત્તળના વાસણોનો સમાવેશ થાય છે. જો કે આપણા રસોડામાં સ્ટીલના વાસણોનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.

પરંતુ તમને દરેક ઘરમાં તાંબાના વાસણો ચોક્કસ જોવા મળી જશે. પહેલાના જમાનામાં તાંબાના વાસણોનો સૌથી વધારે ઉપયોગ થતો હતો, પહેલાના સમયમાં જમવાનું તાંબાની થાળીમાં પીરસવામાં આવતું હતું. ગામ્ય વિસ્તારમાં આજે પણ તાંબાના વાસણોનો ઉપયોગ થઇ રહ્યો છે.

તાંબાના વાસણોનો ઉપયોગ માનવ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તમને તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા વિશે તો જાણતા જ હશો. તાંબાના વાસણમાં ખોરાક ખાવાથી શરીરના રોગો દૂર રહી શકાય છે.

પરંતુ તાંબાના વાસણોનો ઉપયોગની સાથે તેની કાળજી પણ લેવી જરૂરી છે, કારણ કે તાંબાના વાસણ ઝડપથી કાળા થવા લાગે છે. સમયની સાથે તાંબાના વાસણોનો રંગ પણ બદલાય જાય છે અને તે કાળા દેખાવા લાગે છે. પરંતુ તમે આ વાસણોને સારી રીતે સાફ કરીને અને તેની સારી કાળજી લઈને લાંબા સમય સુધી નવા રાખી શકો છો.

અહીંયા અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તાંબાના વાસણોને સરળતાથી સાફ કરી શકો છો. તો ચાલો અમે તમને તાંબાના વાસણને ચમકાવવાની આ 7 રીતો જણાવીએ. જેની મદદથી તમે ઘરમાં તાંબાના વાસણોને સરળતાથી નવા બનાવી શકો છો. તાંબાના વાસણો સાફ કરવાની રીતો.

(1) તાંબાના વાસણો સાફ કરવા માટે પાકેલી આમલી સૌથી અસરકારક ઘરેલુ ઉપાય છે. આ માટે આમલીને એક કપ પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખો. જ્યારે તે થોડી ઓગળી જાય એટલે તેને પાણીમાં જ મસરી લો. હવે આમલીના પાણીને સ્ક્રબરથી વાસણ પાર લગાવીને તેને બે મિનિટ માટે રહેવા દો.

હવે તેને સ્ક્રબરથી હળવા હાથે સ્ક્રબ કરો અને જ્યાં વાસણ વધારે ગંદુ દેખાય છે ત્યાં સ્ક્રબરથી આમલીનું પાણી લગાવો અને ફરીથી સારી રીતે ઘસો. વધારે ગંદા વાસણો પર ભીની આમલીનો પલ્પ લગાવો અને પછી તેને સાફ કરી લો. આમલીના પાણીથી તાંબાના વાસણો નવા જેવા ચમકશે.

(2) તાંબાના ગંદા વાસણોને ચમકાવા માટે મીઠું અને વિનેગરનું મિશ્રણ એકદમ અસરકારક ઉપાય છે. આ માટે રખા પ્રમાણમાં વિનેગર અને મીઠું મિક્સ કરીને એક સોલ્યુશન તૈયાર કરો. હવે વાસણો પર મીઠું અને વિનેગરના દ્રાવણને સારી રીતે ઘસો જ્યાં સુધી તેમાંથી ચીકાશ દૂર ના થઇ જાય, પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

(3) હવે તમે લોટ, વિનેગર અને મીઠુંનો ઉપયોગ કરીને પણ તાંબાના વાસણોને ચમકાવી શકો છો. આ માટે મીઠું અને વિનેગર મિક્સ કરો અને મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણમાં લોટ ઉમેરીને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને વાસણ પર ઘસો અને થોડી વાર માટે રહેવા દો. આ પછી તેને ગરમ પાણીથી ધોઈ લો.

(4) લીંબુનો ઉપયોગ તાંબાના વાસણો સાફ કરવા માટે પણ કરી શકાય છે. આ માટે તાંબાના વાસણ પર લીંબુના ટુકડા ઘસો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તાંબાના વાસણો ચમકવા લાગશે.

(5) તમે મીઠું અને લીંબુનો ઉપયોગ કરીને પણ તાંબાના વાસણો ધોઈ શકો છો. તેના માટે લીંબુને વચ્ચેથી કાપીને અડધા કપાયેલા લીંબુ પર મીઠું લગાવો અને તેને તાંબાના વાસણ પર ઘસો. બીજી રીતે, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તાંબાના વાસણ પર પેસ્ટની જેમ લગાવો અને પછી ગરમ પાણીથી સાફ કરો.

(6) તાંબાના વાસણો સાફ કરવાની બીજી રીત એ પણ છે કે સાબુવાળા પાણીમાં તાંબાના વાસણોને આખી રાત પલાળી રાખો અને સવારે તેને સારી રીતે સાફ કરવાથી પણ તમારા વાસણો પહેલા જેવા જ દેખાશે.

(7) તાંબાના વાસણો સાફ કરવા માટે મીઠું અને ખાવાનો સોડા પણ ખુબ જ અસરકારક છે. તાંબાના વાસણોમાં મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને સાફ કરવાથી તાંબાના વાસણો ચમકશે. તમે ફક્ત ખાવાના સોડાથી પણ તાંબાના વાસણો સાફ કરી શકો છો.

તાંબાના વાસણો સાફ કરતી વખતે કૈંટલીક વસ્તુનું ધ્યાન રાખો : તાંબાના વાસણોની અંદર ધાતુનું અસ્તર લગાવેલું હોય છે તેથી તાંબાના વાસણો સાફ કરવા માટે ક્યારેય સ્ટીલના ઘસવાવાળા સ્ક્રબરનો ઉપયોગ કરશો નહીં. આનાથી વાસણો બગડી જાય છે.

જો તમને પણ તાંબાના વાસણો સાફ કરવાની ટિપ્સ પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને બ્યુટી ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “તાંબાના વાસણો સાફ કરવાની 7 રીતો, એકદમ નવા જેવા ચમકવા લાગશે”

Comments are closed.