શિયાળો આવતાંની સાથે જ હાથ અને પગ જાણે ઠંડીથી થીજી ગયા હોય એમ લાગે છે. ક્યારેક ઠંડીને કારણે લોકોને શરદી પણ થઇ જાય છે. કારણ કે કોરોના હજુ સંપૂર્ણપણે ગયો નથી તેથી તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.
આવી પરિસ્થિતિમાં તમે શિયાળામાં તમારા આહારમાં આ ખાવાની વસ્તુઓનો સમાવેશ કરીને ઠંડીથી રાહત મેળવી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈપણ કરિયાણાની દુકાન પર જઈને આ વસ્તુઓને સરળતાથી ખરીદી શકો છો. તો ચાલો જાણીએ કે શિયાળામાં તમારા દરરોજના ભોજનમાં કયી વસ્તુઓ ખાવાથી ફાયદાકારક રહેશે.
ગોળ : તમે ગોળ વિશે તો જાણતા જ હશો કે ગોળ ખાવો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ શિયાળામાં તેને ખાવાથી વધારે ફાયદાકારક છે જેના વિશે તમારે જાણવું જોઈએ. તમને જણાવી દઈએ કે ગોળની તાસીર ગરમ હોય છે જેના કારણે તે તમારા શરીરમાં ગરમીનો સંચાર કરે છે.
શિયાળાની ઋતુમાં ગોળ ખાવાથી શરદી અને ઉધરસ થવાની શક્યતાઓ ઘટી જાય છે. એટલું જ નહી પણ ગોળ તમારા પાચન માટે પણ ફાયદાકારક છે. ગોળમાં મેગ્નેશિયમ હોય છે જે તમારા શરીરમાં રહેલી લોહીની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમે ઈચ્છો તો ખાંડને બદલે ગોળનો ઉપયોગ ચા બનાવાવમાં પણ કરી શકો છો. જો તમે ઈચ્છો તો ગોળ અને સૂંઠના લાડવા બનાવીને ખાઈ શકો છો જે શિયાળા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.
ડ્રાયફ્રુટ : ડ્રાયફ્રુટ બધાને ભાવે છે તો શિયાળામાં બદામ, સૂકી દ્રાક્ષ, અંજીરની સાથે બધા પ્રકારના ડ્રાયફ્રુટ્સ ખાવા જોઈએ. આ બધા ડ્રાયફ્રુટ્સમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન જોવા મળે છે તો તમે પણ ગરમ દૂધ, હલવો અથવા કોઈ પણ મીઠાઈ સાથે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો.
ઘી : શિયાળામાં ઘી ખાવાથી ફાયદા થાય છે. ઘીમાં જોવા મળતી હેલ્ધી ફેટ તમને શિયાળામાં શરીરને ગરમ રાખે છે જેનાથી તમને શરદીથી રાહત મળે છે. આ સિવાય શિયાળામાં ઘી ખાવાથી ત્વચામાં નમી આવે છે જેના કારણે તે ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ઘી ને તમે રોટલી, દાળ અને શાકમાં મિક્સ કરીને ખાઈ શકો છો.
રસોડાના મસાલા : મોટાભાગના રસોઈના મસાલા ભારતમાં જોવા મળે છે અને ઉત્પાદન પણ ભારતમાં થાય છે જેનો ઉપયોગ દેશમાં જ નહીં વિદેશમાં પણ થાય છે. આયુર્વેદનું માનવું છે કે ઈલાયચી, લવિંગ, હળદર અને આદુનો ઉપયોગ શિયાળામાં તમારા માટે ખૂબ અસરકારક છે. આ ગરમ મસાલા શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
મધ : શિયાળામાં મધના ફાયદા તો તમે બધા જાણો જ છો. તેમાં આવા ઘણા પોષક તત્વો મળે છે જેના કારણે તમારા શરીરને ચુસ્તી અને સ્ફૂર્તિ મળે છે. તે કુદરતી રીતે મીઠું હોય છે તેથી તમે તેનો ઉપયોગ ખાંડને બદલે પણ કરી શકાય છે. શિયાળામાં દરરોજ રાત્રે તેને દૂધ સાથે લેવાથી તમારા શરીરને ગરમી મળે છે, જે તમને ઠંડી થી રાહત આપવામાં મદદ કરે છે.
ડુંગળી : શિયાળામાં ડુંગળી પણ આપણા શરીરને ગરમી આપવાનું કામ કરે છે. ડુંગળીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તમને આનો ઉપયોગ શિયાળામાં કાચી ડુંગળી પણ ખાઈ શકો છો અને આ સિવાય તમે ડુંગળીના પરાઠા અને ડુંગળીની કચોળી બનાવીને ખાઈ શકો છો.
હળદર : કઈ પણ નાની બીમારીમાં બધાએ હળદર વાળું દૂધ પીધુ જ હશે. હળદર આપણા ઘરની ઘણી નાની-મોટી બીમારીઓ માટેની પહેલી દવા છે જે તમને શરદી અને વાયરલથી ઇન્ફેક્શનથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે. શિયાળામાં રોજ ગરમ દૂધ સાથે હળદર પીવી જોઈએ. જેથી તમને કોઈ પણ બીમારીઓ થવાની સંભાવના ઓછી રહે.
તો આ કેટલીક ખાદ્ય વસ્તુઓ હતી જેને તમે તમારા દરરોજના ભોજનમાં ઉમેરશો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. શિયાળામાં ઠંડીથી બચવા માટે તમે પણ આ વસ્તુઓનું સેવન કરી શકો છો. જો તમને અમારો આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.