બેસન એટલે કે ચણાનો લોટ ઘરમાં સહેલાઈથી મળી જતી સામગ્રી છે. દરેકના ઘરના રસોડામાં એક ડબ્બામાં ચણાનો લોટ ચોક્કસપણે હોય જ છે. તેનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા માટે જ નહિ પરંતુ ઘણા કામ માટે થઇ શકે છે.
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે ચણાના લોટનો ઉપયોગ માત્ર રસોઈ માટે કરે છે તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમે બીજા ઘણા કામ માટે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. બેસનના ઉપયોગો જાણતા પહેલા, તમને એક વાત જણાવી દઈએ કે ચણાનો લોટ સીમિત માત્રામાં ખાવો શરીર માટે સારું છે. તો ચાલો જાણીએ તેના કેટલાક ખાસ ઉપયોગો અને ફાયદા વિશે.
1. ખીલ મટાડે : ચણાના લોટમાં ઝીંકનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તેથી જ તે સ્કિન ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અને આ જ કારણ છે કે જો તમને ખીલ જેવા સ્કિન ઈન્ફેક્શન હોય તો તે મટાડે છે. તમે તેનો ઉપયોગ એક શાનદાર ફેસ પેક તરીકે કરી શકો છો, તો ચાલો જાણીયે કે કેવી રીતે ફેસપેક બનાવી શકાય.
સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ, હળદર અને અડધી ચમચી લીંબુનો રસ અને મધ મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો. પછી ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો. આ સિવાય તમારા આહારમાં ચણાનો લોટને ચોક્કસથી સમાવેશ કરો કારણ કે તેમાં હાજર ફાઈબર બ્લડ સુગર લેવલને ઠીક કરે છે.
2. ટૈનિંગ દૂર કરવા માટે : તમે સાંભળ્યું હશે કે ચણાના લોટનો ફેસ પેક બનાવી શકાય છે, કારણ કે ચણાનો લોટ ટૈન રિમૂવર તરીકે કામ કરે છે. આ દેશી રીત છે. તમે 4 ચમચી ચણાના લોટમાં 1-1 ચમચી લીંબુનો રસ અને દહીં મિક્સ કરો અને પછી તેમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરીને પેસ્ટ બનાવીને ચહેરા અને હાથ પર લગાવો. જ્યાં તમને લાગે કે ટૈનિંગ ત્વચા છે ત્યાં લગાવો. પછી હંમેશા ઠંડા પાણીથી ધોઈ લો.
3. મૃત ત્વચા દૂર કરવા : ચણાનો લોટ ખૂબ જ સારો એક્સ્ફોલિયેટર છે અને તે ડેડસ્કિન દૂર કરે છે. એક વાટકીમાં 3 ચમચી ચણાનો લોટ 1 ચમચી ઓટ્સ અને 2 ચમચી ચોખાના લોટ મિક્સ કરો. તેમાં કાચું દૂધ ઉમેરો અને તેને તમારા શરીર પર સ્ક્રબ કરો. ત્વચાને ઠીક કરવાની આ એક સારી રીત છે. અઠવાડિયામાં એકવાર કરવાથી તમારી ત્વચાને સારી રીતે એક્સફોલિયેટ કરી શકાય છે.
4. ઓઈલી સ્કિન દૂર કરવા : જો તમારી ત્વચા ઓઈલી છે તો ચણાનો લોટનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકો છો. બેસનને દહીં અથવા કાચા દૂધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. જો તમારા ચહેરા પર વધારે તેલ આવે છે અને ચહેરો ચીકણો થાય છે તો આ ખૂબ જ સારો ઉપાય છે.
5. ચહેરાના વાળ દૂર કરવા : ભલે તમને નવું લાગતું હશે, પણ તમે ચહેરાના વાળ દૂર કરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી મેથી પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય પછી તેને ચહેરા પર રગડો. આમ કરવાથી ચહેરા પરના બારીક વાળ ઉતરવા લાગશે. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.
6. વાળને સાફ રાખે : જો તમારી ખોપરી ઉપરની ચામડીમાં ખૂબ ઇન્ફેક્શન છે અથવા જો તમારા વાળમાં ઝડપથી પરસેવો આવે છે તો તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે બે ચમચી ચણાના લોટમાં પાણી મિક્સ કરીને થોડું પાતળું મિશ્રણ બનાવવાનું છે અને પછી તેને ભીના વાળ પર લાગવાનું છે. 10 મિનિટ રાખીને ઠંડા પાણીથી વાળ ધોઈ લો. આ ઉપાય 2-3 દિવસ સુધી કરવાથી ચેપ ઝડપથી દૂર થાય છે.
7. વાળના વિકાસ માટે : બેસનમાં પ્રોટીન હોય છે અને તે વાળના વિકાસ માટે તેનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ચણાના લોટ, બદામ પાવડર, દહીં, ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો અને તેને સૂકા અને ક્ષતિગ્રસ્ત વાળ પર લગાવો. જો વાળ ખૂબ જ ખરાબ હોય તો તમે તેમાં વિટામિન Eની બે કેપ્સ્યુલ પણ વાપરી શકો છો. તેને વાળમાં લગાવો અને સુકાઈ ગયા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો.
8. ડેન્ડ્રફ દૂર કરવા : 6 ચમચી ચણાના લોટમાં થોડો લીંબુનો રસ અને પાણી ઉમેરીને ભીના વાળમાં લગાવવાથી ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માસ્કને તમારા વાળમાં મસાજ કરો અને તેને તમારા વાળમાં 10 મિનિટ સુધી લગાવીને રાખો. આ પછી તેને ઠંડા પાણીથી જ ધોઈ લો, ધ્યાન રાખો કે ગરમ પાણીનો ઉપયોગ ના કરશો.
9. કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદ : યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના એક સંશોધન મુજબ તમારા આહારમાં ચણાનો અથવા ચણાના લોટનો સમાવેશ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે. તેના ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, એ જ સમયે એક ઓસ્ટ્રેલિયન અભ્યાસ અનુસાર જેમણે તેમના આહારમાં ઘઉંનો લોટ રાખ્યો હતો તેમની તુલનામાં ચણાના લોટને તેમના આહારનો ભાગ બનાવનારાઓને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછો થયો છે.
10. ડાયાબિટીસ ઘટાડવામાં મદદ : અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના અભ્યાસ મુજબ ચણાના લોટને ડાયાબિટીક સુપરફૂડ કહેવામાં આવે છે. તે ખુબ જ અસરકારક છે હૃદય સંબંધિત બીમારીઓને ઠીક કરવામાં તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઘણી અસર કરી શકે છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચણાના લોટમાં જીઆઈ વેલ્યુ 10ની છે જે ઘણી ઓછી સંખ્યા છે અને તેનાથી શરીરને ફાયદો થાય છે. તેના ફાઇબર શરીરમાં હાજર બ્લડ સુગરને શોષી લે છે અને તે ટાઇપ 2 ડાયાબિટીસને રોકવામાં તમને મદદ કરે છે.
આ રીતે ચણાના લોટને માત્ર એક સામાન્ય ખોરાક ના સમજો. તેને તમારા આહારમાં સામેલ કરવું પણ જરૂરી છે અને રસોઈ સિબાય પણ ચહેરા, ત્વચા અને વાળ માટે તેનો ઉપયોગ કરવો પણ સારું છે.
આશા છે કે તમને આ માહિતી સારી લાગી હશે અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.