pav bhaji recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે ભારતના સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા પાવભાજીનું નામ ચોક્કસપણે આવે છે. તે ફક્ત દિલ્હી કે મુંબઈમાં જ નહીં, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં રેસ્ટોરન્ટમાં મળી જશે. હવર તો લોકો, લગ્ન અને પાર્ટીઓમાં પણ નાસ્તાના ભાગરૂપે પાવભાજીને બનાવવામાં આવે છે.

જો કે પાવભાજી બનાવવી એટલું સરળ છે કે લોકો હોટલ કે પાર્ટીઓમાં જ નહીં, પરંતુ ઘરે પણ ખુબ જ બનાવવું પસંદ કરે છે. બજારમાં મળતી પાવભાજીની ગુણવત્તા કેટલી સારી હશે તે વિશે કશું કહી શકાય તેમ ન હોવાથી, પાવભાજી ઘરે બનાવવી એ સારો વિચાર છે.

તમે પણ ઘણી વાર ઘરે જ પાવભાજી બનાવીને ખાધી હશે, પરંતુ જો દર વખતે એક જ રીતે પાવભાજી બનાવીને કંટાળી ગયા હોય તો આ વખતે કંઈક અલગ ટ્રાય કરી શકો છો. આજે અમે તમારા માટે 2 પ્રકારની પાવભાજીની રેસિપી લઈને આવ્યા છીએ, જે તમારા મોંમાં પાણી વાંચતા વાંચતા જ પાણી લાવી દેશે.

1. જૈન પાવ ભાજી : જૈન પાવ ભાજી સામાન્ય રીતે ડુંગળી અને લસણ વગર બનાવવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, આમાં બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની બનાવવાની રીત.

સામગ્રી : 3 મધ્યમ કદના ટામેટાં જીણા સમારેલા, 3/4 કેપ્સીકમ જીણા સમારેલા, 2 કાચા કેળા બાફેલા અને છાલેલા, 1/2 કપ વટાણા બાફેલા, 1/2 ટીસ્પૂન જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1-2 ચમચી પાવભાજી મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 4-6 ચમચી માખણ, ગાર્નિશ કરવા માટે સમારેલી કોથમીર, પીરસવા માટે લીંબુનો ટુકડો અને 6-8 પાવ.

જૈન પાવભાજી બનાવવાની રીત : જૈન પાવભાજી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી માખણ નાખીને ગરમ કરો. તેના પછી તેમાં જીરું નાખીને તતડવા દો. હવે તેમાં કેપ્સિકમ, ટામેટા અને બધા સૂકા મસાલાનો પાવડર ઉમેરો અને ટામેટાં નરમ થાય ત્યાં સુધી તેને થોડીવાર પકાવો.

જ્યા સુધી ટામેટાં રંધાઈ છે ત્યાં સુધી બાજુમાં, તમે બાફેલા કાચા કેળા અને વટાણાને એકસાથે મેશ કરો. હવે આ મિશ્રણને પણ પેનમાં ટામેટા કેપ્સીકમની સાથે ઉમેરી દો. હવે ગેસ બંધ કરીને મેશરની મદદથી શાકભાજીને મેશ કરો. ધ્યાન રાખો કે તમે શાકભાજીના મિશ્રણને એક ઘટ્ટ કન્સીસ્ટન્સી આપો.

હવે ફરી એકવાર ગેસ ચાલુ કરીને ભાજીને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ સુધી ચડવા દો. તો તમારી ભાજી બનીને તૈયાર છે. હવે પાવને બે ભાગમાં કાપી લો અને બંને બાજુથી માખણ લગાવીને પાવને ગરમ તવા પર શેકી લો. હવે ભાજીને ઉપરથી તાજી કોથમીર, થોડું માખણ વડે ગાર્નિશ કરો અને પાવ અને લીંબુના કટકા સાથે ગરમા-ગરમ સર્વ કરીને આનંદ માણો.

2. પંજાબી પાવભાજી : પંજાબી પાવભાજી ખૂબ જ મસાલેદાર અને ચટપટી હોય છે અને તે પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવે છે, જેમાં ઘણા બધા મસાલા, શાક અને શાકભાજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.

સામગ્રી : 2-3 ચમચી માખણ, 1 મોટું લીલું કેપ્સીકમ સમારેલ, 1 કપ જરૂર મુજબ પાણી, 1.5 કપ ટામેટાની પ્યુરી, 1.5 કપ બાફેલા અને સમારેલા બટાકા, 1 કપ બાફેલા લીલા વટાણા, 1.5 કપ કોબીજ સમારેલી (વૈકલ્પિક), 1.5 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1.5 કપ ડુંગળી બારીક સમારેલી, 2 ચમચી પાવભાજી મસાલા પાવડર,

અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી પંજાબી ગરમ મસાલા પાવડર, 1 ચમચી ચાટ મસાલો, એક ચપટી હીંગ, થોડી સમારેલી કોથમીર, 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી ખાંડ, ગાર્નિશ કરવા માટે કેટલાક લીંબુ ફાચર સજાવટ માટે, થોડી સમારેલી ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું.

પંજાબી પાવભાજી બનાવવાની રીત : સૌથી પહેલા બટાકા, વટાણા અને કોબીજને પ્રેશરથી 3 સીટી આવે ત્યાં સુધી કુક કરો. હવે એક ભારે તળિયાવાળી પેન લો. પેન ગરમ થાય એટલે તેમાં થોડું બટર નાખો અને તેમાં સમારેલા કેપ્સિકમ પણ નાખો. જ્યારે કેપ્સીકમ નરમ થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી ઉમેરો.

હવે તમે તેને મેશરથી મેશ કરો. આ પછી તેને બહાર કાઢીને બાજુ પર રાખો. આ પછી, તે જ પેનમાં 1 ચમચી પાવ ભાજી મસાલો, 1 ચમચી પંજાબી ગરમ મસાલા પાવડર, હિંગ, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું અને એક ચપટી કસૂરી મેથી ઉમેરો. બધી સામગ્રીને ધીમી આંચ પર સારી રીતે હલાવો.

હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી હળવી શેકાઈ જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો. આગળ, ટમેટાની પ્યુરી ઉમેરો. તેમાં થોડી ખાંડ પણ નાખો. ટામેટાની ગ્રેવી બફાઈ જાય પછી તેમાં બાફેલી કોબીજ, બટાકા અને વટાણા ઉમેરો. હવે તેમાં શેકેલું કેપ્સિકમ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

હવે તેને ઢાંકણથી ઢાંકીને તેલ છૂટે ત્યાં સુધી પકાવો. પછી તેમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરો અને પાવભાજી રાંધતી વખતે તેની કન્સીસ્ટન્સી પણ ચેક કરતા રહો. જો પાવભાજી ખૂબ જાડી હોય તો તેમાં થોડું પાણી ઉમેરો. તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલાને વધઘટ કરી શકો છો. થોડીવાર તેને પકાવો. હવે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો.

છેલ્લે, પાવને વચ્ચેથી કાપીને તેને માખણથી શેકી લો. હવે ભાજીને એક બાઉલમાં કાઢીને ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીને પાવ અને લીંબુના ટુકડા સાથે સર્વ કરો. જો તમને પણ આ ભાવભાજી રેસિપી ગમી હોય તો ઘરે ચોક્કસ ટ્રાય કરજો. આવી જ અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા