અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવે દિવાળી આવવાની છે અને હમણાં જ નવરાત્રી અને દશેરા પૂરા થયા છે. હવે તહેવારોના સમયમાં ચારેબાજુ મીઠાઈઓ જોવા મળશે. અલગ-અલગ પ્રકારના લાડુથી લઈને વિવિધ પ્રકારની મીઠાઈઓ તમને અલગ-અલગ સ્ટાઈલમાં જોવા મળશે. દિવાળીના તહેવારોમાં કાજુ બરફી, મૈસૂર પાક બરફી, ખોયા બરફી સાથે સાથે કેસર મૂંગ દાળ બરફી ને બધા લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે.

મગની દાળની બરફી બજારમાં ખુબજ આસાનીથી મળી જાય છે, પણ ભેળસેળને કારણે સ્વાસ્થ્ય પર જોખમ પણ એટલું જ હોય છે. તો આ પ્રસંગે ઘરે કેસર મગની દાળની બરફી બનાવવી વધુ યોગ્ય રહે છે. તહેવારોમાં ઘરે આવતા મહેમાનોને તમે આ મીઠાઈ ખવડાવીને તેમનું મોં મીઠું કરી શકો છો. તો અહીંયા તમને મગની દાળની બરફી ઘરે કેવી રીતે બનાવવી જે વિષે જણાવીશું.

સામગ્રી: મગની દાળ – અડધો કપ, ખાંડ – અડધો કપ, દૂધ – એક કપ, પિસ્તા 8-10, ઘી- જરૂર પ્રમાણે, કેસર – 8-10 દોરા.

મગની દાળની બરફી બનાવવાની રીત: 1) કેસર મગની દાળની બરફી બનાવવા માટે સૌથી પહેલા પિસ્તાના લાંબા ટુકડા કરી લો. હવે થોડું બે ચમચી દૂધ ગરમ કરો અને તેમાં કેસરના દોરા નાંખો અને તેને પલાળીને બાજુ પર રાખો.

2) હવે એક બાઉલ લો અને તેમાં મગની દાળ નાખીને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે આ દાળને બે કપ પાણીમાં ઓછામાં ઓછા ચાર કલાક પલાળી રાખો.

3) હવે જયારે ચાર કલાક પછી દાળ બરાબર પલળી જાય ત્યારે તેનું પાણી કાઢીને મિક્સરમાં નાખીને બરાબર સારી રીતે પીસી લો. પરંતુ અહીંયા એક વાતનું ધ્યાન રાખો કે દાળને ખૂબ જ ઝીણી પીસવી નહિ. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખો કે દાળને પીસતી વખતે ઓછામાં ઓછું પાણી ઉમેરો, તેનાથી દાળને ફ્રાઈ કરવામાં ઓછો સમય લાગશે.

4) હવે ગેસ પર મીડીયમ ફ્લેમ પર કઢાઈ મૂકો, કઢાઈ ગરમ થાય એટલે તેમાં ઘી ઉમેરીને ગરમ થવા દો. હવે આ ઘીમાં મગની દાળની પેસ્ટ ઉમેરીને શેકી લો.

5) દાળને તળતી વખતે ગેસની ફ્લેમ ધીમી જ રાખો, દાળને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી શેકી લો. જ્યારે દાળમાંથી સુગંધ આવવા લાગે અને દાળ મુલાયમ અને દાણાદાર દેખાવા લાગે ત્યારે સમજવું કે દાળ બરાબર ફ્રાઈ થઇ ગયી છે. અહીંયા એક વાતનું ધ્યાન રાખવું કે દાળ એકદમ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવી નહીં. હવે જયારે દાળ ફ્રાઈ થઇ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.

6) હવે જે પેનમાં દળ ફ્રાઈ કરી એ જ પેનમાં દૂધ નાખીને ગરમ કરો અને સાથે જ તેમાં ખાંડ નાખીને ઓગળવા દો. હવે તેમાં તળેલી દાળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ સમયે સતત હલાવતા રહીને તેને પકાવો. પછી તેમાં કેસર મિશ્રિત દૂધ ઉમેરીને બરાબર સારી રીતે મિક્ષ કરી લો. દૂધ સંપૂર્ણ રીતે શોષાઈ ન જાય ત્યાં સુધી દાળને તળો.

7) હવે એક પ્લેટ અથવા ટ્રે લો અને તેમાં ઘીના થોડા ટીપાં નાંખો અને તેને ચારે બાજુ ફેલાવીને ગ્રીસ કરો.

8) હવે આ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં ફેલાવો. મિશ્રણને પ્લેટમાં ફેલાવ્યા પછી તેના પર ઝીણા સમારેલા પિસ્તા મૂકીને દબાવો. હવે તેને થોડું ઠંડુ થવા દો. જ્યારે મગની દાળનું મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને ચોરસ આકારમાં કાપી લો. તમે તમારી પસંદના કોઈપણ આકારમાં કાપી શકો છો.

તો અહીંયા તમારી કેસર મગની દાળની બરફી તૈયાર છે. તમે કેસર મગની દાળની બરફીને થોડાક દિવસો સુધી રાખી, અને ખાઈ શકો છો. જો તમને આ માહિતી ગમી હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજી આવી માહિતી વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા