અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાના વરસાદના આગમનની જ ગરમીથી રાહત મળી જાય છે, પરંતુ આ ઋતુમાં સૌથી વધારે બીમારીઓનો ખતરો રહે છે. જો તમે પણ વરસાદની ઋતુમાં તમારા સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવા માંગતા હોય તો કેટલીક આ હેલ્ધી ટિપ્સને અનુસરો.

લીલા શાકભાજીનો સમાવેશ કરો : લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેથી તમારા રોજિંદા આહારમાં ઘણાં બધાં તાજાં લીલાં શાકભાજીનો સમાવેશ કરો, આ તમને વરસાદની મોસમમાં ફિટ રહેવામાં મદદ કરશે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા શાકભાજીને સારી રીતે ધોવાનું ભૂલશો નહીં.

ચોમાસામાં ખાસ કરીને કોબીજ, પાલક, મેથી જેવી પાંદડાવાળી શાકભાજીમાં વરસાદના કારણે ગંદકી અને જીવજંતુઓ વધારે હોય છે. શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરો અને અને તેને ગરમ પાણીથી ધોઈ લો, તેનાથી બેક્ટેરિયા અને જંતુઓ દૂર થઇ જશે.

વરસાદમાં ભીના થયા પછી તરત જ સ્નાન કરો : જો તમે ક્યારેક વરસાદમાં ભીના થઇ જાઓ છો તો ઇન્ફેક્શનથી બચવા માટે ઘરે આવ્યા પછી તરત જ સ્નાન કરો. આ સ્થિતિમાં AC માં ના જાઓ, નહીં તો વાયરલ તાવ અને શરદી થઈ શકે છે.

બહારનું ખાવા-પીવાનું ટાળો : વરસાદમાં ઠંડા વાતાવરણમાં ગરમાગરમ ભજીયા અને સમોસા ખાવાની બહુ ઈચ્છા થાય છે, પરંતુ આ ઋતુમાં રોગોથી દૂર રહેવું હોય તો બહારની પાણીપુરી, ભેલ પુરી, ચાટ અને બીજા સ્ટ્રીટ ફૂડ ટાળો. .

હાઇડ્રેટેડ રહો : ઠંડા વાતાવરણને કારણે તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને હાઇડ્રેટ રાખો. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીઓ. આ ઋતુમાં ઉકાળેલું પાણી વધારે પીવો. નહિંતર, કોલેરા, ઝાડા જેવા રોગો થઇ શકે છે. વરસાદમાં વધારે કોફી ન પીવો કારણ કે તે તમારા શરીરને ડીહાઇડ્રેટ કરશે.

ઘરને સાફ રાખો : ઘરમાં કોકરોચ અને કીડા મકોડા ના હોવા જોઈએ. આ માટે વરસાદ પહેલા પ્લમ્બરને બોલાવો અને તમામ લીકેજ અને જૂના કાટવાળી પાઈપ વગેરે બદલી નાખો કારણ કે આ સ્થળોએ જંતુઓ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે, જે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો તરફ દોરી શકે છે.

માછલી ખાવાનું ટાળો : શક્ય હોય ત્યાં સુધી વરસાદની ઋતુમાં માછલી ન ખાઓ. આ સિઝનમાં માછલીનું પ્રજનન ઝડપથી થાય છે તેથી જો તમે માછલી ખરીદતા હોવ તો ધ્યાન રાખો કે તે તાજી અને ફ્રેશ હોવી જોઈએ, નહીં તો તમે પેટના ચેપનો શિકાર બની શકો છો.

ચોમાસામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : પ્રોટીનથી ભરપૂર આહાર લો. તળેલા નાસ્તા કે બહારનું ખાવાનું ટાળો. વરસાદમાં તાવ આવવો સામાન્ય છે, પરંતુ જો તાવ બે દિવસથી વધુ રહે તો તેને અવગણશો નહીં, તરત જ ડોક્ટર પાસે જાઓ.

કાચું અને ઠંડુ કંઈપણ ખાવાને બદલે ગરમ ખોરાક ખાઓ, સૂપ એક સારો વિકલ્પ છે. ચોપિંગ બોર્ડ અને રસોઈ બનાવવાની જગ્યાને સાફ રાખો. હાથને હંમેશા સાફ રાખો, ખાસ કરીને રસોઈ બનાવતી વખતે અને પીરસતી વખતે. ખોરાક હંમેશા ઢાંકીને રાખો. આ ઋતુમાં સીફૂડ ન ખાઓ. કોઈપણ ફળ ખાતા પહેલા તેને સારી રીતે ધોવો.

ચોમાસાના કેટલાક ઘરગથ્થુ ઉપચાર : વરસાદની ઋતુમાં શરદી સામાન્ય છે તેથી તરત જ ડૉક્ટર પાસે જતા પહેલા કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. ગરમ દૂધમાં હળદર, સૂકા આદુનું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી શરદી, ઉધરસ અને શરીરના દુખાવામાં રાહત મળે છે.

ચા માં તુલસીના પાન, આદુ અને કાળા મરી ઉમેરીને ચા બનાવીને પીવો. આ રીતે ચા બનાવીને પીવાથી શરદી, ઉધરસમાં આરામ મળે છે. આદુનો રસ અને મધ એક-એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટી જાય છે.

દરરોજ થોડીક ખજૂર ખાધા પછી ચાર-પાંચ ઘૂંટ ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે. ફેફસાંને સાફ થાય છે અને શરદીથી રાહત મળે છે. ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી પણ ગળાની ખારાશ દૂર થાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા