આજે તમને જણાવીશું મેદુ વડા રેસીપી (Medu Vada Recipe). સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે મેદુ વડા અને સાંભાર એ દક્ષિણ ભારતીય નાસ્તાની લોકપ્રિય રેસીપી છે. મેદુ વડા અડદ અને મસાલામાંથી બનાવવામાં આવે છે, તે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે.
અહીંયા તમને ખાસ મસાલા પેસ્ટ સાથે પ્રેશર કૂકરમાં સાંભાર રેસીપી બનાવવાની રીત જણાવીશું. મેંદુવડા માટે સાંભાર તૈયાર કરવું સરળ છે. અહીંયા તમને સાંબર રેસિપીને આકાર આપવા અને તેને પરફેક્ટ બનાવવા માટેની તમામ ટિપ્સ જણાવીશું. તો ચાલો જાણીએ મેદુ વડા રેસીપી બનાવવાની રીત.
મેદુ વડા માટે જરૂરી સામગ્રી: 1 કપ અડદ દાળ, જરૂર પ્રમાણે પાણી, 2-3 સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુની પેસ્ટ, ½ ચમચી કાળા મરીનો પાઉડર, 5-6 સમારેલા લીમડાના પાન, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ
સાંભાર માટે જરૂરી સામગ્રી: ¼ તુવેર દાળ, 1 ચમચી તેલ, 2 મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી, 2 લીલા મરચાના ટુકડા, 1 ચમચી આદુની પેસ્ટ, 2 સમારેલા ટામેટાં, ½ ટીસ્પૂન હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, ½ કપ ઝીણી સમારેલી દૂધી, ½ કપ ગાજર ના ટુકડા, 1 સરગવાના ટુકડા, 1 રીંગણના ટુકડા, જરૂર પ્રમાણે પાણી, સ્વાદ પ્રમાણે મીઠું
ખાસ મસાલા પેસ્ટ માટે જરૂરી સામગ્રી: 2 ચમચી આમલીની પેસ્ટ, 3 ચમચી ગોળ, કોથમીર
સાંભાર માટે ખાસ મસાલા પેસ્ટ માટે જરૂરી સામગ્રી: 2 ચમચી તાજા નારિયેળના ટુકડા, 2 ચમચી શેકેલી ચણાની દાળ, 1 મધ્યમ કદના ટામેટાં, 2 ચમચી સાંભાર પાવડર, પેસ્ટને પીસવા માટે પાણી
તડકા માટે જરૂરી સામગ્રી: 1 ચમચી તેલ, ¼ રાઈના દાણા, ¼ ચમચી ચણાની દાળ, ½ ચમચી જીરું, 3 સૂકા લાલ મરચા, લીમડાના પાન
સોફ્ટ મેંદુવડા બનાવવાની રીત: 1 કપ અડદની દાળને જરૂરી પાણીમાં 4 થી 5 કલાક પલાળી રાખો. દાળ પલળી જાય પછી તેમાંથી પાણી કાઢી લો. એક બાઉલ દાળને એડ કરો અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી ઉમેરો. દાળને સારી રીતે પીસી અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.
સ્મૂધ પેસ્ટને એક મોટા વાસણમાં લઇ હાથની મદદથી 5-7 મિનિટ સારી રીતે હલાવી ને ફેટી લો. બેટર સારી રીતે ફેટયુ છે કે નહિ તે ચેક કરવા વાટકીમાં પાણી લઇ થોડું બેટર ઉમેરો. બેટર તળે તો સમજવું કે બેટર સારી રીતે ફેટાઇ ગયું છે.
હવે તેમાં સમારેલા લીલા મરચા, આદુની પેસ્ટ, કાળા મરીનો પાઉડર, ઝીણા સમારેલા લીમડાના પાન અને થોડી કોથમીર ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી દો. તો અહીંયા બેટર થોડુંક થીક અને હાથેથી પળે તેવું બનીને તૈયાર થઇ ગયું હશે.
જો બેટર વધુ પડતું પાતળું દેખાય તો ચમચી ચોખાનો લોટ ઉમેરી શકો છો. હવે હાથની આંગળી ભીની કરો અને વડાને ગોળાકાર આકાર આપો અને મધ્યમાં એક છિદ્ર (હોલ) બનાવો. આ સિવાય તમે ચાની ગરાણીનો ઉપયોગ કરીને વડાને પણ આકાર આપી શકો છો.
તે માટે ચાની ગરણીના પાછળના ભાગે થોડું પાણી લગાવી, બેટર લઇને ગોળાકાર આકાર આપો અને વચ્ચે હોલ પાડી શકો છો. તેલ ગરમ કરો અને વડાને તેલમાં નાંખો અને મેદુ વડાને મધ્યમ ગેસ પર તળી લો. વડા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. અહીંયા મેંદુવડા બનીને તૈયાર છે. ગરમાગરમ મેદુ વડાને સાંભાર અથવા ચટણી સાથે સર્વ કરો.
સાંભાર બનાવવાની રીત: તુવેર દાળને ધોઈને 20 થી 25 મિનિટ માટે પલાળી રાખો. પલાળેલી દાળને મિક્સર જાળમાં પીસી લો.
પ્રેશર કૂકરમાં 1 ચમચી તેલ ઉમેરો. ડુંગળી ઉમેરો. ડુંગળીનો કલર થોડો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા મરચાના ટુકડા અને આદુની પેસ્ટ ઉમેરો અને તેને પણ સારી રીતે સાંતળો.
હવે ધીમા ગેસ પર હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું પાણી ઉમેરો. બધા મસાલાને તેલમાં સારી રીતે સાંતળો. સમારેલા ટામેટાં ઉમેરો અને સહેજ નરમ થાય ત્યાં સુધી કૂક થવા દો. હવે તેમાં વેજિટેબલ્સ જેવા કે દૂધી, ગાજર, સરગવાના ટુકડા અને રીંગણના ટુકડાઓ સમારીને ઉમેરો.
બધું સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં ક્રશ કરેલી તુવેર દાળ ઉમેરી અને બધા મસાલાને સાંતળો. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. મધ્યમ તાપ પર દાળ અને વેજીટેબલ્સ ને ઢાંકીને પ્રેશર કૂકરની 1 વિસલ (સીટી) થવા દો.
સાંભરમાં ઉમેરવાની સ્પેશિયલ પેસ્ટ બનાવવા માટે: એક બાઉલમાં નાળિયેરના ટુકડા, શેકેલી ચણાની દાળ, ટામેટાં, સાંભાર પાવડર અને પાણી ઉમેરો. બધી વસ્તુને ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી લો. તો અહીંયા સ્પેશિયલ મસાલા પેસ્ટ બનીને તૈયાર છે.
હવે પ્રેશર કૂકરની એક વિસલ થયા પછી પ્રેશર કૂકરને ઠંડુ કરો. હવે ઢાંકણ ખોલો અને તપાસો કે વેજીટેબલ્સ અને દાળ બરાબર કૂક થઇ છે કે નહીં. હવે ફરીથી તેમાં જરૂર પ્રમાણે (સાંભાર જાડો કે પાતળો જોઈએ તે પ્રમાણે) પાણી અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
હવે તેમાં બનાવેલી મસાલાની પેસ્ટ, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરો. સારી રીતે મિક્સ કરી દો. સાંભારને ધીમી ગેસ પર 10-15 મિનિટ સુધી ઉકાળો.
તડકા કરવા માટે: એક પેનમાં તેલ, રાઈ, અડદની દાળ, હિંગ, જીરું, સૂકી લાલ મરચું અને લીમડાના પાન ઉમેરો અને એક મિનિટ સુધી સાંતળો. હવે તેને ઉકળતા સાંભારમાં મિક્સ કરો. તો અહીંયા તમારો ટેસ્ટી સાંભાર તૈયાર થઇ ગયો છે. સાંભારને કોથમીરથી ગાર્નિશ કરીને મેદુ વડા સાથે સર્વ કરો.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.