આજની સામાજિક પરિસ્થિતિઓમાં બાળકોને હિંમતવાન બનાવવું ખુબ જરૂરી છે. સમાજમાં વધતી જતી અસમાનતા, આક્રમકતા, ગુનાહિત પ્રવૃતિઓને જોતા બાળકોને નીડર બનાવવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કેટલીક એવી રીતો જેના દ્વારા તમે તમારા બાળકોને હિંમતવાન બનાવી શકો છો.
બાળકોને મહાનાયકોની વાર્તાઓ સંભળાવો : સદીઓથી, આપણી માતાઓ રાત્રે સૂતી વખતે તેમના બાળકોને મહાનાયકો અને પરાક્રમી રાજાઓની વાર્તાઓ સંભળાવતી આવી છે. હકીકતમાં બાળકોના મનમાં હિંમત લાવવાની આ સૌથી સારી અને રસપ્રદ રીત છે. બાળકો પણ રાત્રે સૂતી વખતે તેમની માતાને ખૂબ જ શાંતિથી સાંભળે છે.
આ સમયમાં જો માતા વીર મહાપુરુષો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની બહાદુરીની ગાથા બાળકોને સંભળાવે છે તો બાળકોના મનમાં તેમના જેવા બનવાની ઈચ્છા જાગે છે. તેઓ આ માણસોની જેમ કંઈક મોટું કરવા માટે હિંમતવાન બને છે અને પડકારો સામે લડવાનું વિચારે છે.
માતાપિતા હિંમત બતાવો : બાળકોની પહેલી શાળા આપણું ઘર કહેવાય છે અને બાળક પહેલી શીખ તેમના માતાપિતા પાસેથી લે છે. જો તમે પોતે હિંમતવાન અને બળવાન છો અને કોઈપણ પ્રકારની સમસ્યા આવે ત્યારે ગભરાતા નથી, શાંતિથી હેન્ડલ કરી લો છો, તો તમારા બાળકમાં પણ આવી જ પ્રેરણા આવશે.
એટલા માટે જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો બહાદુર બને તો તમારે પણ તમારી જાતને બાળકની સામે મક્કમતાથી રજૂ કરવાની જરૂર છે. તમે પણ તમારું પોતાનું ઉદાહરણ તેની આગળ રજુ કરી શકો છો.
બાળકોને વાત વાત પર ઠપકો ના આપો : જો તમે બાળકને દરેક નાની-નાની વાત પર ઠપકો આપ્યા કરશો અથવા તેમને બોલતા અટકાવશો તો બાળકોનો આત્મવિશ્વાસ ઘટી શકે છે. જયારે બાળકો નાની નાની ભૂલો કરે છે તો તેને પ્રેમથી સમજાવો અને ક્યારેક તેમની ભૂલોને નજરઅંદાજ કરો.
કોઈપણ મોટી ભૂલ કરે તો તેમને ઠપકો આપો, આનાથી બાળકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને તેનો અમલ કરવાનો પણ પ્રયાસ કરશે. દરેક બાબતમાં ઠપકો આપવાને કારણે બાળકોના મનમાં એક ડર બેસી જાય છે અને તેઓ નાની-નાની સમસ્યાઓથી પરેશાન થવા લાગે છે અને તમને કહેતા પણ ડરે છે.
બાળકોને આઉટડોર ગેમ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો : બાળકને મેદાન અથવા પાર્કમાં બીજા બાળકો સાથે રમવા માટે પ્રોત્સાહિત કરો. બાળકો રમતગમતમાં હેલ્દી સ્પર્ધા કરે છે અને આ દરમિયાન તેઓ જીતવા માટે સખત મહેનત કરે છે. સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસાવવાથી બાળકોના મનમાંથી ડર દૂર થાય છે અને તેઓ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે છે.
વધારે રક્ષણાત્મક માં બનો : જો તમે બાળક પ્રત્યે વધુ પડતા રક્ષણાત્મક બનો છો અને દરેક નાની-નાની બાબતમાં તેમની ચિંતા કરશો તો બાળક પોતાની જવાબદારીઓ સમજવાનું ક્યારેય શીખશે નહીં. જ્યારે તમે બાળકોને તેમની પોતાની વસ્તુઓની કાળજી લેવા માટે પ્રોત્સાહિત કરશો, ત્યારે તે પોતાની જાતે તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે.
તો હવે તમારા બાળકની વધારે ચિંતા કરવાનું બંધ કરો. તેને ખુશી આપો, તેનો સાથ આપો અને કોઈપણ મુશ્કેલીમાં તેની સાથે ઉભા રહો. તમારું બાળક સરળતાથી હિંમતવાન અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આગળ વધશે. એકવાર જો આ શીખી જાશે પછી ક્યાંય પણ પાછું નહીં પડે.
જો તમે પણ તમારા બાળકને એક હિંમતવાન અને સાહસિક બનાવવા માંગતા હોય તો ઉપર જણાવેલી આ ટિપ્સ ને અનુસરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આગળ મોકલજો, જેથી કરીને બીજા લોકો પણ જાણી શકે. આવી જ વધુ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.