જુદા જુદા કારણોથી થતા દાંતના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે ઉપાય

0
769
dant nno dukhavo

અત્યારના સમયમાં કોઈપણ વ્યક્તિ નાનું હોય કે મોટું દરેકને દાંતની સમસ્યા હોય છે. દાંતની કોઈપણ સમસ્યા થવાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો અહીંયા જોઈશું કે દાંતના દુખાવાથી તાત્કાલિક રાહત કેવી રીતે મેળવી શકાય.

દાંતના દુખાવા નું મુખ્ય કારણ દાંતનો સડો છે. આ સિવાય પેઢાનો સોજો કે અતિશય ઠંડુ કે ગરમ ખાવાથી. તેમજ ડાપણ ડાઢ આવે ત્યારે દુખાવો થાય છે. માટે સૌથી પહેલા તો તેનું કારણ જાણી તેના પ્રમાણે ઈલાજ કરવો જોઈએ. હવે જાણીએ જુદા જુદા કારણોથી થતા દાંતના દુખાવા ના ઈલાજ વિષે.

1) પેઢામાં સોજો: પેઢાનો સોજો વધી જવાને કારણે દાંતમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં ફટકડીનો ટુકડો દસ થી બારવાર ફેરવીને અથવા પા ચમચી ફટકડીનો પાઉડર ગરમ પાણીમાં નાખીને તેનાથી કોગળા કરવાથી સોજો દૂર થાય છે અને દુખાવો ખૂબ જ ઝડપથી મટી જાય છે.

2) ઘણીવાર દાઢના પોલાણમાં કે દાંત વચ્ચે ખોરાક ભરાઇ જવાથી દુખાવો થતો હોય છે. આ માટે ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું નાખીને તેનાથી સારી રીતે કોગળા કરવાથી દાંતમાં ભરાયેલ કચરો તેમજ ખોરાકના કણો તરત જ બહાર નીકળી જાય છે અને દાંતના દુખાવામાં રાહત મળે છે.

3) જ્યારે ડાઘ પડી જાય ત્યારે તેમાં પોલાણ થઇ જાય છે અને દાંતના મૂળ ખુલ્લા થઈ જાય છે. આવા સમયે ઠંડા પીણાં કે આઈસ્ક્રીમ ખાવા થી ગણો દુખાવો થાય છે. આ કારણથી થતા દુખાવામાં રાહત મેળવવા માટે દાઢના પોલાણમાં લવિંગના તેલ માં ડબોળેલું રૂનું પૂમડું મૂકવાથી દેખાવો તાત્કાલિક બંધ થાય છે.

4) ઘણાને દાંત નો દુખાવો રાત્રે વધુ પરેશાન કરે છે. આનું કારણ એ છે કે રાતે સૂવાથી માથાના ભાગમાં લોહીનો પ્રવાહ વધે છે જેને કારણે વધારે દુખાવો થાય છે. આ માટે વધારે ઊંચું ઓશીકું રાખીને સૂવાથી માથા તરફ લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને દુખાવામાં રાહત મળે છે.

5) ડાપણ દાઢ : ડાપણ દાઢ આવતી વખતે ખૂબ જ દુખાવો થાય છે અને તાવ આવી જાય છે. જ્યાં સુધી પૂરેપૂરી દાઢ બહાર આવી ન જાય ત્યાં સુધી દુખાવો સહન કરવો પડે છે. આ દુખાવામાં બરફના ટુકડાને પ્લાસ્ટિક બેગમાં વીંટીને દુખતા ભાગ પર રાખવું. દિવસમાં ત્રણ વખત આ રીતે ઠંડો સેક કરવાથી દુખાવામાં સારી રાહત મળે છે.

6) દાંતનો સડો જો શરૂઆતના તબક્કામાં હોય તો નિયમિત કરંજ નું દાતણ કરીને તેનો રસ મોં માં દશ મિનિટ ભરી રાખવાથી દુખાવો દૂર થાય છે.

7) પેઢા નબળા પડી ગયા હોય કે પાયોરિયા ની તકલીફ હોય તો અઠવાડિયા સુધી તલના તેલનો કોગળો પાંચ મિનિટ સુધી મોં માં ભરી રાખવાથી આશ્ચર્યજનક રીતે હલી ગયેલા દાંત ના પેઢા મજબૂત બને છે અને દાંત હલતા બંધ થાય છે. પેઢામાંથી પરુ નીકળતું હોય અને મોંમાંથી વાસ આવતી હોય તો તે પણ દૂર થાય છે.

કંઈપણ ખાધા પછી કે ઠંડા પીણા, ચા કોફી પીધા પછી સાદા પાણીથી કોગળા કરી લેવાથી દાંતનો સડો ક્યારેય થતો નથી. તેમ જ ખૂબ જ ઠંડી વસ્તુઓ ખાધા પછી તરત જ ગરમ ખોરાક ન લેવો, તેનાથી દાંતના ઉપરના પડને નુકસાન પહોંચે છે અને દાંતનો દુખાવો થાય છે. આ ઉપરાંત ઠંડા પીણા વધુ લેવાથી દાંતનો ઇનેમલ ઘસાઈ જાય છે અને દાંત નબળા પડે છે માટે કોલ્ડ ડ્રીંક અને ઠંડા પીણાં ઓછા લેવા.