થાબડ્યા વગર વેલણથી બનાવો રોટલો, એકદમ નવી જ રીતે બાજરીનો રોટલો બનાવવાની સરળ રીત

0
5220
bajri no rotlo banavani rit

કાઠીયાવાડી વાનગી કોને પસંદ નથી ? આપણે બધા ખુશી ખુશીથી કાઠીયાવાડી ભોજન ખાઈએ છીએ. તો આજે અમે તમને રોટલાની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહયા છીએ. તમે રોટલાને થાબડીને કે ટીપીને તો બનાવ્યા હશે, પણ આજે અમે તમને વેલણની મદદથી કેવી રીતે રોટલો બનાવી શકાય તે વિશે જણાવીશું.

ઘણી બહેનો એવી હોય છે જેમને રોટલા બનાવતા નથી આવડતા અને તેમને મૂંઝવણ હોય છે કે બાજરીના રોટલા કેવી રીતે બનાવવા. તો તમારી આ મૂંઝવણને દૂર કરવા માટે, અમે તમને એકદમ નવી જ રીતે રોટલાને ટીપીને કે થાબડ્યા વગર કેવી રીતે બનાવવો તે જણાવીશું.

ઘણા લોકોને એવું થાય છે કે તેમણે રોટલા થાબડતા કે ટિપતા તો આવડે છે પણ શેકતી વખતે રોટલામાં તિરાડ પડી જાય છે. તો આજે તેના વિશે પણ જણાવીશું, તેની પણ ટીપ્સ આપીશું જેથી તમારા રોટલા ફૂલીને દડા જેવા બનશે.

સૌથી પહેલા રોટલા બનાવવા માટે કણક બાંધવાની છે. કણક બાંધવા માટે, સૌથી પહેલાં મોટું વાસણ લો, કે જેમાં તમે સહેલાઈથી બાજરીનો લોટ મસળી શકો. સૌથી પહેલા લોટ ચાળી લો અને લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરો.

હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈને લોટ બાંધો. અહીંયા એક્સાથે પાણી ઉમેરીને લોટ નથી બાંધવાનો. થોડું થોડું પાણી ઉમેરીને સારી રીતે લોટ મસળતા જાઓ અને લોટ બાંધો. હવે કણકને હાથની એડીની મદદથી મસળો. લોટ સારી રીતે મસળાઇ જશે ત્યારે લોટમાં થોડી ચીકાશ આવી જશે.

હવે બાંધેલા લોટમાંથી ગોળ મોટા લુવા બનાવો. હવે એક રોટલી વણવાની પાટલી અને વેલણ લો. આ પાટલી પર એક પ્લાસ્ટિક પેપર રાખો. તમે પ્લાસ્ટિક ની કોથળી ને ગોળ કાપીને પણ રાખી શકો છો. હવે લુવાને પ્લાસ્ટિક પેપર પર મૂકીને તેના પર બીજું પ્લાસ્ટિક પેપર મુકો. ( જે રીતે પાપડ બનાવીએ છીએ તે રીતે).

હવે રોટલાને રોટલી ની જેમ વણો. અહિયાં તમે તમારા પ્રમાણે જાડો કે પાતળો રોટલો વણી શકો છો. અહિયાં તમારે રોટલાને ફાટવાની કે તિરાડ પડવાની કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આરામથી આ રોટલાને સરળતાથી વણી શકો છો.

રોટલો વણાઈ જાય, પછી ઉપર અને નીચેનું પ્લાસ્ટિક પેપરને કાઢી લો. હવે માટીની તાવડી(કલાવડી) હોય તેમાં રોટલાને ધીમેથી પાથળી દો. ધ્યાન રાખો કે નીચે હવા ન રહી જાય. જો રોટલાની નીચે હવા રહી જશે તો તેમાં ભમરો પડી જાય છે.

ભમરો પડવો એટલે કે રોટલાની નીચે ગોળ રાઉન્ડ થશે અને તે ભાગમાં રોટલો બળી જશે. રોટલો નાખ્યા પછી ઉપર હળવેથી હાથ ફેરવી દો જેથી તેમાં હવા ના રહી જાય.

રોટલાનું પહેલું પડ કાચુ-પાકું થાય એટલે તેને બીજી બાજુ પલટાવી દો. રોટલાની બીજી બાજુ ને સારી રીતે પકાવો. બીજી બાજુ સારી રીતે શેકાઈ જાય એટલે ફરીથી તેને પલટાવી લો. હવે તમે જોઈશે શકશો કે તમારો રોટલો ફુલવા લાગશે. તો અહિયાં તમારે રોટલાને દડા જેવો સારી રીતે શેકાઈ જાય એટલે તેને તાવડીમાંથી કાઢી લો.

જો તમારે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રોટલો ખાવો હોય તો તમારે આ રોટલાની ઉપર નું પડ (રોટલાની પોપડી કહી શકો) છે તેને કાઢીને આખા રોટલા પર ચમચીથી ઘી લગાવી દો.  આ પછી ઉપર નું પડ બંધ કરી દો. તો અહિયાં તમારો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથેનો રોટલો બનીને તૈયાર થઇ જશે.

ટિપ્સ : તાવડી જ્યારે બરાબર ગરમ થાય ત્યારે જ રોટલો નાખવો, નહિ તો તમારા રોટલામાં તિરાડ પડી જશે. તમે અહીંયા પ્લાસ્ટિક ની કોથળી ના હોય તો, પાપડ બનાવવામાં ઉપયોગ મા લેવામાં આવતા પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ કરી શકો છો.

તમને અમારી અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને જણાવજો. તો આવી જ ગુજરાતી ભાષામાં અવનવી રેસિપી ઘરે બેસી જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.