જે લોકોને રસોઈ બનાવવાના શોખીન હોય છે અને દરરોજ કંઈક નવું નવું ટ્રાય કરવા માંગે છે તેમના માટે ઘણીવાર આવી સરળ અને અસરકારક ટિપ્સની જરૂર હોય છે, જેની મદદથી તેઓ ભોજનને એક નવો જ સ્વાદ આપી શકે છે.
ઘણી વખત આપણે રસોઈ બનાવવામાં ઘણી મહેનત કરીએ છીએ અને ઘણા બધા મસાલાનો ઉપયોગ કરીએ છીએ, તે પછી પણ જમવાનું સ્વાદિષ્ટ નથી બનતું. તો આજે અમે અહીં આવા લોકો માટે કેટલીક ઉપયોગી ટિપ્સ લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે પણ ભોજનનો સ્વાદ વધારી શકો છો.
(1) આલૂ પરાઠાને ક્રિસ્પી બનાવવા માટે ઘઉંના લોટમાં 2 ચમચી ચણાનો લોટ મિક્સ કરીને કણક ગૂંથી લો. કણક ખૂબ સખ્ત પણ ના હોવી જોઈએ અને ના ખુબ જ ઢીલી. કણક ગૂંથ્યા પછી 5 મિનિટ ઢાંકીને રાખો, જેથી લોટ સોફ્ટ થઇ જાય. આ પછી પરાઠા બનાવીને તેનો આનંદ લો.
(2) ઘણા લોકોને કઢી બનાવતી વખતે દહીં ફાટી જાય છે અને ખાવામાં તેનો સ્વાદ સારો નથી આવતો. તેથી દહીં ફાટે નહીં તે માટે, ચણાનો લોટ અને દહીં મિક્સ કરો અને તેને સારી રીતે ફેટી લો. હવે આ બેટરને કઢાઈમાં નાખ્યા પછી સતત હલાવતા રહો. જ્યારે કઢી રંધાઈ જાય પછી જ છેલ્લે મીઠું ઉમેરો.
(3) ક્રન્ચી પકોડા બનાવવા માટે ચણાના લોટને બરફના ઠંડા પાણીમાં બેટર બનાવો. આના કારણે બેટર પણ ઠંડુ થઈ જશે અને પકોડા તળતી વખતે વધારે તેલ પણ શોષશે નહીં. અને એકદમ ક્રન્ચી બનશે.
(4) જો તમે કોઈપણ વાનગીમાં આદુ-લસણની પેસ્ટ બનાવી ઉમેરો છો તો તેનું માપ 3:2 હોવું જોઈએ એટલે કે લસણ 60% અને આદુ 40% હોવું જોઈએ. આદુનો સ્વાદ તેજ અને તીખો હોય છે. એટલે વધારે આદુ ઉમેરવાથી પેસ્ટમાં લસણનો સ્વાદ આવશે નહીં.
(5) જો તમે પણ આલૂ પરાઠા ખાવાના શોખીન છો, પરંતુ એક જ પ્રકારના આલુ પરાઠા ખાઈને થાકી ગયા હોય તો, બટાકાના સ્ટફિંગમાં શેકેલા જીરાનો પાવડર, કસૂરી મેથી અને મેગી મસાલો ઉમેરો, પરાઠાનો સ્વાદ બમણો થઇ જશે.
(6) હોમમેઇડ કેક બનાવતી વખતે જો કેકના બેટરમાં ખાંડને કેરેમેલાઈઝ કરીને મિક્સ કરવામાં આવે તો કેકનો રંગ અને સ્વાદ બંને વધી જશે. ખાંડને કારામેલાઇઝ કરવા માટે, તમારે એક પેનમાં 1 ચમચી ખાંડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે. જયારે ખાંડનો રંગ બ્રાઉન થાય એટલે તરત જ તેને કેકના બેટરમાં નાખીને મિક્સ કરીને ફેટી લેવાનું છે.
(7) શાક બનાવતી વખતે ગ્રેવી પાતળી થઈ જાય તો તેને ઘટ્ટ કરવા માટે ટામેટાની પ્યુરી ઉમેરો. એક કડાઈમાં ટામેટાંને નરમ થાય ત્યાં સુધી પકાવો અને પછી ટામેટાંની છાલ કાઢીને, એક ચપટી મીઠું અને ખાંડ ઉમેરીને તે મિક્સરમાં પીસી લો. પછી તેને પેનમાં મૂકો અને 2-3 મિનિટ પકાવો. જો ટામેટાની પ્યુરી સીધી શાકમાં ઉમેરવામાં આવે તો શાકમાં ટામેટાની કાચી સુગંધ આવશે.
(8) જો તમે ઇચ્છો તો શાકમાં બીટ અને ગાજરની પ્યુરી પણ ઉમેરી શકાય છે. પરંતુ શાકભાજી ઉમેરતા પહેલા તેને પણ પકાવી લો. બીટ અને ગાજરની પ્યુરી શાકમાં ઉમેરવાથી શાકનો રંગ વધુ આકર્ષક બને છે અને શાક ઘટ્ટ થઇ જાય છે.
(9) ભાતની ખીર ઘટ્ટ બનાવવા માટે તેમાં થોડો મકાઈનો લોટ પાણીમાં ઓગાળીને તેને ખીરમાં મિક્સ કરો. આ પછી ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર રાંધો.
(10) જો તમારે ઢોસાને ક્રિસ્પી બનાવવા હોય તો દાળ અને ચોખાને પલાળતી વખતે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરી દો, એટલે કે થોડા આખા મેથીના દાણા ઉમેરો અને પછી તેને પીસી લો.