તમે ઘરની સાફ સફાઈ માટે હંમેશા બજારમાં મળી રહેતા કેમિકલ ક્લિનર્સ અને ડિટર્જન્ટનો ઉપયોગ કર્યા વગર તમે ઘરે જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીયે એવી જ કેટલોક વસ્તુઓ, જે તમને ઘરની સફાઈ માટે મદદરૂપ થઇ શકે છે.
લીંબુ : લીંબુમાં જોવા મળતું સાઇટ્રિક એસિડ કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે અને તેનો ઉપયોગ કરીને અનેક પ્રકારના ડાઘ દૂર કરી શકાય છે. જો તાંબાના વાસણમાં ગેસ કે સ્ટવના ઉપયોગથી કાળી પડી ગઈ હોય તો તેને લીંબુ અને મીઠું નાખીને ઘસવાથી તાંબુ ચમકે છે.
જો તમારા પ્લાસ્ટિકના ટિફિનના ડબ્બામાં તેલના ડાઘા હોય અને તેમાંથી દુર્ગંધ આવતી હોય તો ટિફિનને લીંબુના રસમાં આખી રાત રાખીને બીજા દિવસે તેને ખાવાના સોડાથી સાફ કરી લો.
મીઠું : મીઠું રસોઈ સિવાય સફાઈ એજન્ટ તરીકે પણ કામ કરે છે. જો બાથરૂમ, બાથટબ કે ટોયલેટ સીટ પર પીળા ડાઘ પડી ગયા છે તો હોય તો તેને મીઠું અને ટર્પેન્ટાઈન તેલથી દૂર કરી શકાય છે. લોખંડના વાસણોમાં ડાઘ પડી ગયા છે તો ગરમ પાણીમાં મીઠું ભેળવીને પેસ્ટ બનાવીને તેનાથી વાસણો સાફ કરો.
જો જીન્સ ખૂબ ગંદુ થઇ ગયું હોય તો એક ડોલ પાણીમાં એક ચમચી મીઠું નાખીને જીન્સને 10-15 મિનિટ માટે રાખવાથી જીન્સને ધોતી વખતે તેનો રંગ જશે નહીં. કાર્પેટ પર ડાઘ લાગ્યો હોય તો ડાઘવાળી જગ્યા પર મીઠું છાંટીને ભીના કપડાથી લૂછી લો.
ખાવાનો સોડા : રસોઈમાં ઉપયોગમાં આવતો બેકિંગ સોડા સફાઈ માટે પણ ઉપયોગ થાય છે. માઇક્રોવેવની અંદર પડેલા ડાઘને સાફ કરવા માટે લીંબુના રસમાં બેકિંગ સોડા મિક્સ કરીને સ્ક્રબ કરો.
જ્યાં તમે રસોઈ બનાવો છો ત્યાં રસોડાના સ્લેબ પર ચિકાસ અને ગંદકીને સાફ કરવા માટે તે જગ્યાએ ગરમ પાણીમાં સોડા ઉમેરીને રેડો. 10 મિનિટ પછી તેને સ્ક્રબથી સાફ કરી લો. વધારે બળી ગયેલા વાસણોને સાફ કરવા માટે સાબુવાળા પાણીમાં ખાવાનો સોડા મિક્સ કરીને, બળી ગયેલા વાસણમાં નાખીને આખી રાત રહેવા દો. સવારે ઘસીને ધોઈ લો, વાસણો ચમકશે.
કાર્પેટમાંથી દુર્ગંધ દૂર કરવા માટે આખા કાર્પેટ પર થોડી માત્રામાં સોડા છાંટો અને તેને વેક્યૂમ ક્લીનરથી સાફ કરી લો. ગરમ પાણીમાં સોડા અને સાબુના દ્રાવણને મિક્સ કરીને સિંક અને બેસિનને સાફ કરી શકાય છે.
બટાકા : બટાકા વાનગીમાં વિવિધતા લાવે છે, પરંતુ તેનો ઉપયોગ સ્વચ્છતા માટે પણ કરી શકાય છે. બટાકાની સ્લાઈસ કાપીને તેને કાટ લાગેલી વસ્તુ પર ઘસવાથી કાટ કપાઈ જશે અને તે વસ્તુ સાફ થઈ જશે. બટાકાની સ્લાઈસ કાપીને કાચ પર ઘસવાથી કાચ સાફ દેખાશે.
ચાંદીને સાફ કરવા માટે જેમાં બટાટા 20 મિનિટ સુધી ઉકાળવામાં આવ્યાં હોય તેમાં દાગીના અથવા ચાંદીના વાસણોને પાણીમાં રાખો. ચાંદી ચમકવા લાગશે. જો ઘરમાં કાચની કોઈ વસ્તુ તૂટી જાય તો કાચના ઝીણા ઝીણા ટુકડા પર બટાકાની એક સ્લાઈસ કાપીને ઘસો, કાચના બધા ટુકડા સ્લાઇસમાં અટવાઈ જશે.
આમલી : ચાંદી સિવાયના બીજી ધાતુના દાગીના જેને સાબુથી સાફ કરવું મુશ્કેલ છે તેને આમલીથી સાફ કરી શકાય છે. જ્વેલરીને આમલી મિક્સ કરેલા પાણીમાં નાખશો તો બધી ગંદકી નીકળી જશે.
પિત્તળ અને તાંબાના વાસણોને આમલીના પલ્પથી સાફ કરો. કાટવાળા નળ પર આમલીના પલ્પને ઘસવાથી નળ સાફ થઈ જશે. રસોડાની ચીમનીને સાફ કરવા માટે આમલીના પાણીનો ઉપયોગ કરો.