આજે તમારી માટે લઈને આવ્યા છીએ દુકાને મળે તેવી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી ફૂલવડી રેસિપી. આ ફૂલવડી ઝારા વગર ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જણાવીશું. તો ચાલો જાણી લઈએ ફૂલવડી બનાવવાની સરળ રીત વિષે
ફૂલવડી માટે જરૂરી સામગ્રી: 3 ચમચી આખા ધાણા, 3 ચમચી કાળા મરી, 4-5 ચમચી દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, 3 ચમચી સફેદ તલ, 3 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 4 ચમચી ખાંડ, 3 ચમચી વરિયાળીના બીજ, ¼ ચમચી લિંબુ ના ફૂલ, 1 કપ રેગ્યુલર ચણાનો લોટ, 1 કપ ચણાનો કરકરો લોટ, ચપટી કૂકિંગ સોડા, 4 ચમચી તેલ, તળવા માટે તેલ
ફૂલવડી બનાવવાની રીત: મિક્સર જારમાં ધાણા અને કાળા મરી ઉમેરો. તેને અધકચરા પીસી લો. એક બાઉલમાં દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, સફેદ તલ, વરિયાળી, ખાંડ, એક ચપટી લીંબુના ફૂલ, અધકચરા પીસેલા ધાણા, કાળા મરી અને તેલ ઉમેરો.
ખાંડ સારી રીતે ઓગળી જાય તે રીતે બધું સારી રીતે મિક્સ કરી દો. એક બાઉલમાં ચણાનો કરકરો લોટ અને રેગ્યુલર ચણાનો લોટ ઉમેરો. હાથની મદદથી મસાલાને બરાબર મિક્સ કરી લોટ બાંધો.લોટને બાંધી, ઢાંકીને 25-30 મિનિટ માટે રહેવા દો.
ફૂલવડીને સોફ્ટ અને પોચી બનાવવા માટે એક બાઉલમાં બેકિંગ સોડા અને પાણી મિક્સ કરો. ચમચીની મદદથી બંનેના મિશ્રણને હલાવી કણકમાં સોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે ધીમે ધીમે લોટના મિશ્રણમાં પાણી ઉમેરો અને નરમ લોટ તૈયાર કરો
હવે તેલ ગરમ કરો. જો તમારી પાસે ફુલવડી માટે ઝારો ન હોય તો પ્લાસ્ટિકની થેલીને તેલથી ગ્રીસ કરો. પછી પ્લાસ્ટિકની થેલીમાં ફુલવડીનો લોટ ઉમેરીને પ્લાસ્ટિકની થેલીને કોન આકાર શેપ આપી દો.
કોનનો આગળનો ભાગ કાપીને કોનની મદદથી ફુલવડી બનાવી ધીમા તાપે ફૂલવડી ક્રિસ્પી બને ત્યાં સુધી તળી લો. તમે તમારા હાથથી ફુલવડી પણ બનાવી શકો છો.તો અહીંયા તમારી ફૂલેલી અને એકદમ ક્રિસ્પી ફૂલવડી બનીને તૈયાર છે.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.