દિવાળી પુરી થવાની સાથે બધા લોકો ઉત્તરાયણ ની રાહ જોઈ રહ્યા હોય છે. ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં 14 તારીખે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે તલ અને ગોળનું દાન કરવાની પરંપરા છે.
સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પર મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને સમગ્ર ભારતમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. આ સાથે ઉત્તરાયણ ના દિવસે ગોળથી બનેલી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાંથી એક છે મગફળી અને ગોળની ચિક્કી.
મોટાભાગના લોકો ચીક્કી કેવી રીતે બનાવી શકાય તે જાણે છે. પરંતુ આજે અમે તમારી માટે થોડીક અલગ રીતે ચીક્કી બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ અલગ રીતે તૈયાર થતી ચીક્કી બનાવવાની રીત.
મગફળીની ચિક્કીની જેમ ડ્રાયફ્રુટ ચિક્કીમાં પણ વધુ સામગ્રીની જરૂર પડતી નથી. માત્ર બે થી ત્રણ સામગ્રીની મદદથી, ચિક્કી તૈયાર થાય છે. આ ચીક્કી બનાવવા માટે તમારે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ સાથે ગોળની જરૂર પડશે. જેમાં તમે બદામ, કાજુ ઉમેરી શકો છો. પિસ્તા, ખસખસ, અખરોટના દાણા, કિસમિસ વગેરે લઈ શકો છો.
હવે જાણીએ આ ચીક્કી કઈ રીતે બનાવી શકાય છે: સૌપ્રથમ તમારા મનપસંદ ડ્રાય ફ્રુટ્સને નાના ટુકડા કરી લો. હવે તેને એક પેનમાં હળવા હાથે ફ્રાય કરો અને પ્લેટમાં કાઢી લો. આ ડ્રાયફ્રૂટ્સને ઘી કે તેલની મદદ વગર ડ્રાય રોસ્ટ કરો. તેથી સ્વાદ વધુ સારો રહેશે.
એક પેનમાં ગોળના નાના-નાના ટુકડા કરી લો. આ સાથે તેમાં ઘી ઉમેરીને મિક્સ કરી ગેસ પર મૂકો. ધ્યાન રાખો કે ગેસની ફ્લેમ ધીમી હોવી જોઈએ નહીંતર તમારો ગોળ બળી જશે. જ્યારે ગોળ બરાબર ઓગળી જશે ત્યારે ગોળમાંથી પરપોટા નીકળવા લાગશે.
હવે આ ગોળને ચારથી પાંચ મિનિટ સુધી સારી રીતે પકાવો. ધ્યાન રાખો કે તમારા ગેસની ફ્લેમ ધીમી હોવી જોઈએ. હવે ચાસણી જોવા માટે એક ગ્લાસમાં થોડું પાણી લો અને તેમાં એક ટીપું ઓગળેલો ગોળ નાખો. જો ગોળ નક્કર બોલ જેવો થઈ જાય તો, તમારી ચાસણી બનીને તૈયાર છે. આ સમયે ગેસ બંધ કરી દો.
હવે આ ગોળમાં બધા ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરો. બધા ડ્રાયફ્રૂટ્સ સારી રીતે મિક્સ કરો અને તેમાં એલચી પાવડર ઉમેરો. હવે એક પ્લેટમાં ઘી લગાવો અને તેમાં ગોળ અને ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ પાથરો. મિશ્રણ ગરમ હોય એટલે જ વાટકીને ઘીથી ગ્રીસ કરીને મિશ્રણને થપથપાવી લો અને મિશ્રણને ફેલાવો.
જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને ચપ્પાની મદદથી તેના નાના ટુકડા કરી લો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.