હાડકાની મજબૂતી હોય કે દાંતની મજબૂતાઈ, કે રક્તકણોનું નિર્માણ હોય, કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજોમાંનું એક ખનીજ છે. તે દરેક ઉંમરની વ્યક્તિ માટે જરૂરી છે, પછી ભલે તે બાળક હોય કે વૃદ્ધ હોય કે પછી યુવાન.
ખાસ કરીને મહિલાઓ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે કારણ કે મહિલાઓમાં કેલ્શિયમની સૌથી વધારે ઉણપ જોવા મળે છે. ડિલિવરી સમયે, પીરિયડ્સ પછી અને સ્તનપાન કરાવ્યા પછી મહિલાઓના શરીરમાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે. અત્યારના સમયમાં આપણી જીવનશૈલીના કારણે ખાવાની આદતોમાં ઘણો બદલાવ આવ્યો છે.
આપણે પૌષ્ટિક વસ્તુઓ ખાવાને બદલે ટેસ્ટને વધુ પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે, જેમ કે જંક ફૂડ, તળેલી વસ્તુઓ, ઠંડા પીણા, ચોકલેટ, ચિપ્સ, આઈસ્ક્રીમ વગેરે. અને આ ખોરાકમાં થતી ગરબડને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેની આટલી જલ્દી તો ખબર નથી પડતી પણ ભવિષ્યમાં તે તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર કરી શકે છે.
શરીરના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કેલ્શિયમ દરેક ઉંમર માટે જરૂરી છે. કેલ્શિયમ બાળકોના વધતા શરીર, દાંતનો આકાર અને મજબૂત હાડકાં માટે પણ જરૂરી છે. ચાલો જાણીએ કે કેલ્શિયમ આપણા શરીર માટે કેમ જરૂરી છે અને ફાયદા પણ જાણીયે.
1. બ્લડ પ્રેશર નિયંત્રણ : કેલ્શિયમના કુદરતી સ્ત્રોતો અને સપ્લીમેન્ટ્સનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને તેને ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલે કેલ્શિયમ બ્લડ પ્રેશરને ઠીક કરવામાં પણ ઉપયોગી છે.
2. જુના રોગો : કેલ્શિયમ ક્રોનિક રોગો સામે લડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કેલ્શિયમનું સેવન કરવાથી જુના રોગોનું જોખમ ઘટાડી શકાય છે.
3. હાડકાના વિકાસ માટે : કેલ્શિયમ મજબૂત હાડકાના વિકાસ માટે ખાસ કરીને બાળકો અને યુવાન માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્ત્વ છે. હાડકાનો વિકાસ 20 વર્ષની ઉંમર સુધીમાં તેની ટોચ પર હોય છે અને તે પછી ધીમે ધીમે ઘટાડો થાય છે. કેલ્શિયમ અને વિટામિન ડીની પૂરતી માત્રા વધતા બાળકો અને યુવાનોમાં હાડકાના માંસમાં વૃદ્ધિ કરે છે.
4. કિડનીની પથરી : કેટલાક લોકોનું માનવું છે કે કેલ્શિયમથી કિડનીમાં પથરી થાય છે, પરંતુ આ એક દંતકથા છે. સંશોધનોએ સાબિત કર્યું છે કે કેલ્શિયમનું સેવન શરીરના અસ્તરને નુકસાન પહોંડવાવાળા અત્યંત પીડાદાયક કિડની પથરી સામે રક્ષણ આપે છે.
5. આલ્કલાઇન માટે pH સ્તર સંતુલન : પ્રોસેસ ખાંડ, સોડા અને જંક ફૂડ શરીરને પીએચ સ્કેલ પર ખૂબ એસિડિક બનાવે છે. તે કિડનીમાં પથરી અને હાયપરટેન્શનનું કારણ બની શકે છે તેથી કેલ્શિયમ આ સમસ્યાને રોકી શકે છે અને શરીરને ઓછું એસિડિક બનાવે છે.
કેલ્શિયમ લેવા માટેની કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ : કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળો કારણ કે તે તમારા સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરી શકે છે. કોઈપણ સપ્લિમેન્ટ લેતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.
કેલ્શિયમની ઉણપથી હૃદયના ધબકારા વધવા, ખેંચાણ, સાંધામાં દુખાવો, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું, અનિદ્રા, અતિશય ચીડિયાપણું, બરડ નખ, ખરજવું, સોજો અથવા કળતર થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં સારી માત્રામાં કેલ્શિયમ લેવું જોઈએ. કેલ્શિયમ કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવું જોઈએ.
શેમાંથી કેલ્શિયમ મળે : કેલ્શિયમના મુખ્ય સ્ત્રોતોમાં છે દૂધ, ચીઝ, દહીં અને ઈંડાનો સમાવેશ થાય છે. આ સિવાય ફળો અને શાકભાજીમાં પણ વિશેષ માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. ફળોમાં કેલ્શિયમ જેમ કે જામફળ, સીતાફળ, દાડમ, દ્રાક્ષ, કેળા, જાંબુ, કેરી, નારંગી, અનાનસ, પપૈયા, સફરજન અને શેતૂરમાં જોવા મળે છે.
જ્યારે શાકભાજીમાં કેલ્શિયમ જોઈએ તો બીટ, લીંબુ, પાલક, રીંગણ, ટીંડા, કારેલા, કાકડી, કોળુ, લસણ, ગાજર, ભીંડા, ટામેટા, ફુદીનો, લીલા ધાણા, મૂળા અને કોબીમાં જોવા મળે છે. એટલું જ નહીં બદામ, પિસ્તા, ખજૂર, ચણા, રાજમા, સોયાબીન જેવામાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. તો આજથી તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને પુરી કરો.