હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે. બધા ધંધાવાળા લોકો અને ઓફિસોમાં આખા વર્ષ માટે નવા બજેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આખા વર્ષ દરમિયાન કયો ખર્ચ કરવો અને ક્યાં બચાવવો તેની ચર્ચા થઇ રહી છે. દરેક વ્યક્તિ આ નવા નાણાકીય વર્ષમાં શક્ય તેટલા પૈસા બચાવવા માંગતા હોય છે.
ગૃહિણીઓની પણ આ જ ઈચ્છા હોય છે અને ઘરના નાણામંત્રી એટલે કે ગૃહિણીઓએ પણ આ નવા નાણાકીય વર્ષમાં પોતાના ઘરનું બજેટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. જો હકીકતમાં જોવામાં આવે તો બહુ ઓછી સ્ત્રીઓ આવું કરે છે. પરંતુ ઘરનું બજેટ બનાવવું એ ખૂબ મહત્વપૂર્ણ કામ છે.
જો બજેટ જ નક્કી નહીં હોય તો બચત કેવી રીતે થઇ શકશે. બચત કરવા માટે નિશ્ચિત બજેટના આધારે ઘરના ખર્ચાઓનું આયોજન કરવું જરૂરી છે. તો અહીંયા અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે તમારા ઘરનું બજેટ પ્લાન કરી શકો છો અને બિનજરૂરી ખર્ચથી બચી શકો છો.
આવકની ગણતરી કરો : જો તમે ગૃહિણી છો તો તમારા પતિના પગારથી જ ઘર ચાલતું હશે. તમારા પતિ તમને ઘરના ખર્ચ માટે પૈસા પણ આપશે અને તે પૈસા એક જગ્યાએ ભેગા કરીને ના રાખો. જેમ જેમ તમને ઘરના ખર્ચ માટે પૈસા મળે છે તે જ રીતે તમારે પૈસાથી ઘરનું બજેટ નક્કી કરવું જોઈએ.
જો તમે બજેટ નક્કી નહીં કરો તો તમારા પૈસા નકામા ખર્ચાઈ જશે અને તમારી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પૈસા બાકી રહેશે નહીં. તેથી જેમ તમને રોકડ મળે તે રોકડથી બજેટ તૈયાર કરો અને તે બજેટ મુજબ જ તમારા ઘરના અને તમારા ખર્ચાઓ ચલાવો.
ખર્ચની યાદી બનાવો : ઘરમાં મહિનામાં જે ખર્ચો થવાનો છે તેની એક યાદી બનાવો. એક ડાયરી બનાવો. આ યાદીમાં એવા ખર્ચાઓનો સમાવેશ કરો કે જે દર મહિને થવાના જ છે અને તમે તેને રોકી શકતા નથી. પછી બીજી એક યાદી બનાવો જેમાં તે ખર્ચો લખો જે બાકી છે પરંતુ તેને ઓછો કરી શકાય છે.
જેમ તમે રસોડામાં મોંઘા ડીશ વોશરનો ઉપયોગ કરો છો તો આ વખતે ઓછી કિંમતવાળું અને સારી ગુણવત્તાવાળું ડીશવોશર ખરીદવાનો પ્રયત્ન કરો. તેવી જ રીતે જે વસ્તુઓનું હજુ નક્કી નથી તેવા ખર્ચાઓનો પણ સમાવેશ કરો અને તેમના નાણાં પણ અલગ કરો.
ખર્ચ પર અંકુશ રાખવો : પૈસો તો ખર્ચવા માટે જ હોય છે, પણ પૈસા યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ અને યોગ્ય વસ્તુ પર જ ખર્ચવા જોઈએ. તમને ભવિષ્યમાં ક્યારે અને કેટલા પૈસાની જરૂર પડી શકે છે તે વિશે તમે અગાઉથી જાણતા નથી તેથી બચત કરાવી પણ જરૂરી છે.
બજેટમાં નક્કી કરેલી રકમ કરતાં કોઈપણ વસ્તુ પર એક રૂપિયાથી વધારે ખર્ચ ના કરો. કેટલીકવાર તમને એવું પણ બની શકે છે કે ચોક્કસ બજેટ કરતાં વધુ કિંમતે સમાન મળે છે તો તેને સંતુલિત કરવા માટે તમારે કોઈ બીજા ખર્ચાઓ કાપવા પડશે.
તમારી લાઇફસ્ટાઇલ પર તેટલા પૈસા ખર્ચવાનો પ્રયાસ કરો જે જરૂરી હોય. મહિલાઓ કપડાં, ઘરેણાં અને ફૂટવેરની ખરીદીમાં ઘણો ખર્ચ કરતી હોય છે પણ આ વસ્તુઓ પર તમને જે જોઈએ તે જ ખર્ચો અને બાકીના પૈસાને બચાવો.
મોલ્સમાંથી સામાન ખરીદશો નહીં : આજકાલ મોલનો જમાનો આવી ગયો છે. જીવનશૈલી સાથે જોડાયેલી દરેક વસ્તુ મોલ્સમાં મળે છે, પરંતુ લક્ઝુરિયસ શોરૂમ હોવાને કારણે અહીં કેટલીક વસ્તુઓ તેની કિંમત કરતા પણ વધારે ભાવે મળે છે. તેથી જો તમારે કોઈ ચોક્કસ બ્રાન્ડનો સામનો ખરીદવો હોય તો જ મોલ્સમાં પ્રવેશ કરો.
અને જો તમે અનબ્રાંડેડ વસ્તુઓ સાથે ચલાવી શકો છો તો મોલ્સમાંથી સામાન ખરીદવાની જરૂર નથી. ખાસ કરીને તે વસ્તુઓ મોલમાંથી બિલકુલ ન ખરીદો જે તમને બહારની દુકાનોમાં સસ્તી મળે છે.
ઑફર્સ આવે તો આકર્ષિત થશો નહીં : ન્યુઝ પેપર અને ટીવી પર ઑફર્સની ઘણી જાહેરાતો આવે છે. આનાથી ક્યારેય લલચાશો નહીં કારણ કે આ ઑફર્સ માત્ર ભ્રમ માટે જ હોય છે. ઑફર્સ લાવવામાં આવે તે પહેલાં જ પ્રોડક્ટની કિંમતમાં વધારો કરવામાં આવે છે તેથી જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદો ત્યારે તેની મૂળ કિંમત પર તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે તેને ધ્યાનમાં રાખીને ખરીદો.