આજે આપણે જોઈશું નાનાથી લઈને મોટી ઉંમરના લોકો ખાઈ શકે અને સાથે સાથે દુ:ખીયાઓનું અમૃત ભોજન એવી મસાલા ખીચડી બનાવવાની રીત જોઈશું. તમે ખીચડી બનાવતા હશો પણ આજે અમે તમને એક નવી ખીચડી બનાવતા શીખવીશું. આ મસાલા ખીચડી આપણે ચોખા અને 4 પ્રકારની દાળ નો ઉપયોગ કરીને બનાવીશું.
આ મસાલા ખીચડી તમે એકદમ સરળ રીતે અને ખુબજ ઝડપી બનાવી શકો છો. તો સાંજે કઈ હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો બનાવો પ્રોટીનથી ભરપૂર મસાલા ખીચડી. તો ચાલો મસાલા ખીચડી બનાવવાની રેસિપી જોઈલો.
ખીચડી માટે જરૂરી સામગ્રી: ખીચડીને પ્રેશર કૂકરમાં કૂક કરવા માટે: – ૧ કપ ઝીણા ચોખા, ૧/૪ કપ ફોતરાવાળી મગની દાળ, ૧/૪ કપ ચણાની દાળ, ૧/૪ કપ તુવેર દાળ, ૧/૪ કપ મસૂરની દાળ, ૨ નંગ બટાકા, ૧/૨ કપ ઝીણી સમારેલી દૂધીના ટુકડા, ૧/૨ કપ સમારેલ ગાજર, ૧/૪ કપ લીલા વટાણા, ૩ ચમચી સીંગ( મગફળી) ના દાણા, ૧ ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ઘી, 1 ચમચી તેલ, ૪-૫ કપ પાણી
ખીચડીના મસાલા માટે: ૪ – ૫ ચમચી ઘી, ૧ ચમચી રાઈના દાણા, ૧ ચમચી જીરું, ૩-૪ લવિંગ, ૧ ચપટી હિંગ, ૧ તમાલ પત્ર, ૧ ઇંચ તજ
૧ કપ સમારેલી ડુંગળી, ૨ સૂકા લાલ મરચા, ૧ ચમચી આદુની પેસ્ટ, ૨ લીલા મરચાના ટુકડા, ૨ ચમચી મગફળી ના દાણા, ૧ ચમચી ધાણા પાવડર, ૧/૪ ટીસ્પૂન હળદર પાવડર, ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ કપ સમારેલા ટામેટા, જરૂર મુજબ પાણી
ઘી અને કોથમીર સાથે સર્વ કરો
મસાલા ખીચડી બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા, મગની દાળ, ચણાની દાળ, તુવેર દાળ અને મસૂરની દાળ મિક્સ કરી તેમાં પાણી ઉમેરી દાળને સારી રીતે ધોઈ લો. દાળને સારી રીતે ધોવાઈ ગયા પછી તેમાંથી બધી પાણી બહાર કાઢી લો.
દાળને કૂક થતા ઓછો સમય લાગે એટલા માટે થોડું ગરમ પાણી ઉમેરો અને દાળ અને ચોખાને ૧૫-૨૦ મિનિટ માટે પલાળી રાખો. ૧૫-૨૦ મિનિટ મિશ્રણમાંથી બધું પાણી બહાર કાઢી લો. હવે પ્રેશર કૂકરમાં ખીચડીનું મિશ્રણ, ૪-૫ કપ પાણી, હળદર પાવડર, મીઠું અને ઘી ઉમેરો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દો.
હવે એક બાઉલમાં ઝીણા સમારેલા બટાકા, દૂધી ના ટુકડા, ગાજર, લીલા વટાણા અને મગફળી ના દાણા નાખો. શાકભાજીના બાઉલને પ્રેશર કૂકરમાં વચ્ચે મૂકો અને પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી દો, મધ્યમ-ધીમી આંચ પર ૩-૪ સીટીઓ સુધી કૂક થવા દો.
જ્યારે પ્રેશર કૂકરની ૩-૪ સીટીઓ થઇ ગયા પછી પ્રેશર કૂકરનું ઢાંકણ ખોલો અને ખીચડીમાં બફાઈ ગયેલા શાકભાજી બહાર કાઢો અને કૂક થયેલી ખીચડીને સારી રીતે હલાવો. હવે ખીચડીના મસાલા માટે – એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં રાઈ ના દાણા, જીરું, લવિંગ, તમાલપત્ર, તજ અને સૂકું લાલ મરચું ઉમેરો.
એક મિનિટ સાંતળો. એક કપ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો કરો અને ડુંગળીનો સહેજ કલર બદલાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં આદુની પેસ્ટ અને સમારેલા લીલા મરચા ઉમેરો. તેને પણ એક મિનિટ સુધી સાંતળો. હવે તેમાં મગફળી ઉમેરીને સહેજ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
પછી તેમાં ધાણા પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.બધું સારી રીતે મિક્સ કરી દો. સમારેલા ટામેટાં, લીલા વટાણા અને મીઠું ઉમેરો. ઢાંકીને ૩ -૪ મિનિટ માટે સહેજ નરમ થાય ત્યાં સુધી કૂક કરો. હવે મસાલામાં બાફેલી ખીચડી ઉમેરો અને તેમાં એક કપ પાણી ઉમેરો. સારી રીતે ભેળવી દો.
ખીચડીને ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દો જેથી ખીચડીમાં મસાલાનો સ્વાદ આવી જાય. હવે ગેસ બંધ કરો અને ખીચડીમાં ઘી અને કોથમીર ઉમેરો. સારી રીતે ભેળવી દો. અહીંયા તમારી મસાલા ખીચડી બનીને તૈયાર છે, સર્વ કરો.
નોંધ લેવી: ચોખા અને દાળનું પ્રમાણ સરખું લેવું. નરમ ખીચડી બનાવવા માટે પાણીનું પ્રમાણ ચોખા અને દાળના જથ્થા કરતાં ૩-૪ ગણું વધારે લેવું. ૩-૪ સીટી વગાડી મધ્યમ તાપ પર ખીચડીને પ્રેશર કુક કરો. ખીચડીમાં વધારાનું જરૂરી પાણી ઉમેરી શકો છો.