ભારતને તહેવારોનો દેશ કહેવાય છે. અહીંયા બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેની સાથે અલગ અલગ પ્રકારની વાનગી પણ બનાવવામાં આવે છે. તો આજથી 14 દિવસ પછી આપણે બધા રંગોના તહેવારમાં ડૂબી જઈશું. આખું વાતાવરણ ગુલાલ અને સુગંધથી ભરાઈ જશે.
હોળીના તહેવારમાં લોકો ખાવા કરતાં ચટપટ નાસ્તો અને ઠંડા પીણા પીવાનું વધારે પસંદ કરે છે. લોકો ચાટ, ગોલગપ્પા, ટિક્કી જેવી મસાલેદાર વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. તેથી જો તમે પણ આ હોળીમાં કેટલીક ઝડપી બનતી રેસિપી બનાવવા માંગતા હોય તો આ લેખ ચોક્કસ વાંચો. અમે તમને જણાવીશું કે તમે તમારી હોળીની વાનગીઓમાં બીજું શું ઉમેરી શકો છો. તો ચાલો જાણીએ હોળી સ્પેશિયલ વાનગી.
1. બટેટા ડુંગળી ચાટ : સૌથી સરળ સસ્તી, સ્વાદિષ્ટ અને ઝડપી તૈયાર થતી આલૂ ચાટ આ વખતે બનાવીને જોઈએ. આ વાનગીને બનાવીને સવારે વહેલા ઉઠીને ફ્રીજમાં મૂકી દો અને જેમ જેમ મહેમાનો ઘરે આવે કે તરત જ તેને પ્લેટમાં ગાર્નિશ કરીને સર્વ કરો. તો ચાલો જાણીયે બનાવવાની રીત.
સામગ્રી : 250 ગ્રામ બાફેલા અને છોલેલા બટાકા, 2 કપ જીણા સમારેલા ટામેટાં, 11/2 કપ જીણી સમારેલી ડુંગળી, 2 મોટી ચમચી ચાટ મસાલો, 1 ચમચી કાળું મીઠું, 1 ચમચી કાળા મરી પાવડર, 1 કપ કોથમીર, 2 મોટી ચમચી લીંબુ અને 2-3 જીણા સમારેલા લીલા મરચા.
બનાવવાની રીત : ચાટ બનાવવા માટે એક મોટી કડાઈમાં બટાકાની છાલ કાઢી તેના 2 થી 4 ભાગોમાં કાપીને રાખો. હવે તેમાં ટામેટા, ડુંગળી, ચાટ મસાલો, કાળું મીઠું, કાળા મરી પાઉડર, લીલા ધાણા, લીલા મરચા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે અથવા જ્યારે આ ચાટ પીરસવામાં આવે ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો. લીંબુને પહેલેથી નાખવાથી સ્વાદમાં કડવાશ આવી શકે છે.
અહીંયા જે સામગ્રી લેવામાં આવી છે તે આલૂ ચાટ 8-10 લોકો માટે છે. જો તમે વધારે બનાવવા માંગતા હોય તો તમે સામગ્રી વધારી શકો છો. તમે આ ચાટને સવારે બનાવીને સાંજ સુધી ખાઈ શકાય છે. તો બનાવીને તેને ફ્રીજમાં રાખી શકાય છે. જો તમે ઈચ્છો તો તેમાં બેબી કોર્ન ઉમેરી શકો છો અને સ્વાદ વધારવા માટે બટેટાને પણ તળી શકાય છે.
2. જલજીરા : જો તમે હોળીમાં મીઠાઈ ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો તમે મસાલેદાર જલજીરા બનાવી શકો છો. તે તમારા મોંનો સ્વાદ વધારવાની સાથે તમને ફ્રેશ પણ રાખશે. અલગ અલગ વસ્તુઓને ખાધા પછી જલજીરા તમારા પાચનતંત્રને સારું બનાવીને રાખશે.
સામગ્રી : 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી વરિયાળી, 2 મોટી ચમચી આમચૂર, 8 થી 10 ફુદીનાના પાન, 1 નાની ચમચી કાળા મરી, 1 મોટી ચમચી કાળું મીઠું, 2 મોટી ચમચી લીંબુનો રસ,
1 મોટી ચમચી આમલી, 2 લિટર પાણી અને અડધો કપ બૂંદી (ઓપ્શનલ છે).
જલજીરા બનાવવાની રીત : સૌથી પહેલા 1 કપ ગરમ પાણીમાં 20-25 મિનિટ માટે આમલીને પલાળી રાખો. બીજી બાજુ એક પેનમાં જીરાને શેકીને તેને પીસીને પાવડર બનાવી લો. હવે વરિયાળી અને કાળા મરીને મિક્સરમાં નાખી પીસીને બાજુમાં રાખો. પછી ફુદીનાના પાન અને આમલીને પણ પીસીને અલગ કાઢી લો.
હવે એક કાચના મોટા બાઉલમાં પીસેલા ફુદીનાના પાન અને આમલી નાખો. તેમાં શેકેલું જીરું, પીસેલું કાળા મરી અને વરિયાળી ઉમેરો અને પછી કાળું મીઠું અને પાણી ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવો.
હવે આ પેસ્ટમાં વધેલું આમલીનું પાણી, લીંબુનો રસ અને સાદું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો. મીઠું અને મસાલાને ટેસ્ટ કરો અને પછી સામગ્રીને વધુ ઓછું ઉમેરી શકો છો. જો તમે ઇચ્છો તો બૂંદી ઉમેરી શકો છો. નહિ તો ફુદીનાના પાન અને લીંબુના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
ખાસ ટીપ: જો તમે જલજીરાને વધારે ખટ્ટા અને મસાલેદાર બનાવવા માંગો છો તો તમે તેમાં 1 ચમચી ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. આ જલજીરાના સ્વાદમાં પણ વધારો કરશે.
બટાકા વડા : બટાકા વડામાં બટાકાને ચણાના લોટ સાથે તળવામાં આવે છે. આ એક મહારાષ્ટ્રીયન નાસ્તો છે જે ત્યાં ખૂબ જ ખાવામાં આવે છે. તમે પણ આ વખતે તેને હોળી પર બનાવીને સર્વ કરી શકો છો. સાંજની ચા અને લીલી ચટણી સાથે તેને ખાઈ શકાય છે. તો ચાલો જાણીયે તેને બનાવવાની રીત.
સામગ્રી : 5 થી 6 મધ્યમ કદના બટાકા, 1/2 નાની ચમચી કોર્ન ફ્લોર, 2 મોટી ચમચી બેસન, હીંગ, તળવા માટે તેલ, 2 ચમચી જીણી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ, 1 નાની ચમચી બારીક સમારેલ લીલું મરચું, 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું, 1 ચમચી મીતા લીમડાના પાન (વૈકલ્પિક છે), 1 નાની ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર.
બટાકા વડા બનાવવાની રીત : સૌથી પહેલા બટાકા બાફીને તેને છોલીને એક બાઉલમાં મેશ કરી લો. હવે એક પેન લો અને તેમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ સરસવ અને જીરું ઉમેરો અને પછી તેમાં મીઠા લીમડાના પાન, લસણ-આદુની પેસ્ટ, હળદર અને લાલ મરચું પાવડર નાખીને 2 થી 3 મિનિટ પકાવો. પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દો.
હવે છૂંદેલા બટાકામાં મીઠું, કોથમીરને ઉમેરીને મિક્સ કરો. આ પછી તૈયાર કરેલો તડકો ઉમેરો અને ફરીથી બરાબર મિક્સ કરો. બધી સામગ્રીને મિક્સ કર્યા પછી બટાકામાંથી નાના સાઈઝના ગોળ બોલ બનાવો. બોલને 10 થી 15 મિનિટ માટે સેટ થવા દો.
બીજી તરફ એક વાસણમાં બેસન, કોર્નફ્લોર, હિંગ, હળદર, ચપટી મીઠું અને લાલ મરચું ઉમેરીને એક બેટર તૈયાર કરો. ધ્યાન રાખો કે આ બેટર બહુ જાડું કે બહુ પાતળું ના હોવું જોઈએ. હવે એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. પછી બટાકાના બોલ્સને બેટરમાં એક પછી એક ડુબાડીને ડીપ ફ્રાય કરો. તો તૈયાર છે બટાકા વડા, તેને લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
ખાસ ટિપ્સ : જો તમે બટાકા વડાને ક્રન્ચી કરવા માંગતા હોય તો બટાકાને મેશ કરતી વખતે તેમાં 1 ચમચી ચોખાનો લોટ ઉમેરો. તો આ હોળી પર આ ત્રણ રેસિપી છે જેને તમે બનાવીને આનંદ માણી શકો છો. આ જ રીતે તમે હોળી પર લીલા કબાબ, કટલેટ, લસ્સી અને બીજી ઘણી વસ્તુઓ બનાવી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો, આવી જ વધુ વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.