જે બાળક નાનપણથી જ ઘરનું રાંધેલું ખાય છે, તે બાળકો મોટા થાય ત્યારે પણ ઘરનું જ રાંધેલું ખાવાનું વધારે પસંદ કરે છે. એક રિસર્ચ મુજબ બાળક નાનપણથી જે કંઈ પણ ખાય છે તે મોટા થયા પછી પણ તે જ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે.
તમે પણ એક માતાપિતા તરીકે નાનપણથી જ તમારા બાળકને બહારના ફાસ્ટ ફૂડને બદલે ઘરે જ હેલ્ધી ફૂડ ખાવાની ટેવ પાડો. બાળકો દરરોજ એક જ વસ્તુ ખાઈને કંટાળી જાય છે, તો એવો જાણીયે કે તમે ઘરના ભોજનને કેવી રીતે રસપ્રદ બનાવી શકો છો.
1) હોમમેઇડ બર્ગર : જો તમારા બાળકને બર્ગર ગમતું હોય તો બહારથી ખાવાને બદલે ઘરે બનાવો.મિશ્ર શાકભાજીને જીણા કાપીને ટિક્કી અથવા કબાબ બનાવો. આ ટિક્કી અથવા કબાબને પાવમાં સ્ટફ કરીને ઉપરથી ઝીણી સમારેલી કોબી, ગાજર અને મેયોનીઝ ઉમેરો. હવે બર્ગરને બાળકની મનપસંદ ચટણી સાથે પીરસો.
2) પિઝા પરાઠા બનાવવા માટે ઘરે બનાવેલી ઘઉંની રોટલીને બેકિંગ ટ્રેમાં મૂકીને, તેની ઉપર સમારેલી ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને 2-3 ચમચી ચીઝ ઉમેરો, પછી પીઝા મસાલો અને ચીલી ફ્લેક્સ ઉમેરો અને ચીઝ ઓગળે ત્યાં સુધી ઓવનમાં બેક કરો. પછી પીઝાની જેમ કાપીને સર્વ કરો.
3) વેજ ફ્રેન્કી બનાવવા માટે પાતળી રોટલી બનાવીને બટર લગાવીને શેકી લો. તેના પર લીલી ચટણી, સૉસ, બટાકાનું શાક અથવા મિક્સ્ડ શાક ઉમેરો. બારીક સમારેલી કોબી, ડુંગળી અને ચીઝ ઉમેરીને તેને રોલ કરીને હળવા હાથે શેકીને પેપર નેપકિનમાં લપેટીને સર્વ કરો.
4) પનીર ચીલા : 2 કપ ચણાના લોટમાં 2 ટીસ્પૂન તેલ, સ્વાદ મુજબ મીઠું અને 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ નાખીને બરાબર ફેટી લો. પછી ફ્રુટ સોલ્ટ ઉમેરીને બેટર બનાવો. હવે તવા પર થોડુ તેલ લગાવી નાના ઉત્તપાની જેમ નાના ચીલા બનાવો. 1 કપ છીણેલા પનીરમાં મીઠું, થોડું છીણેલું આદુ અને લીલી કોથમીર ઉમેરો. આ મિશ્રણને તૈયાર ચીલામાં ભરીને ફોલ્ડ કરો. ટોમેટો સોસ સાથે સર્વ કરો.
5) સ્પ્રાઉટ રોલ ચાટ : એક કપ ફણગાવેલા મગને બાફો. તેમાં અડધો કપ જીણી સમારેલી કાકડી, અડધો કપ ઝીણા સમારેલા ટામેટાં, અડધો કપ જીણી સમારેલી ડુંગળી, અડધી કપ જીણી સમારેલ કેપ્સીકમ, થોડી લીલી ચટણી, 1 બારીક સમારેલ લીલું મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
હવે બ્રેડ સ્લાઈસની કિનારી કાપીને તેને દૂધમાં પલાળીને નિચોવી લો અને પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ભરીને એક ગોલો બનાવો. તેને સર્વિંગ પ્લેટમાં મૂકીને ઉપર દહીં નાખો (દહીંમાં મીઠું અને લાલ મરચું ઉમેરો). સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
6) લીલા પરોઠા : રોટલીના લોટમાં મીઠું, જીણા સમારેલા લીલા મરચા, કોથમીર, પાલક, ફુદીનો અને મોયન માટે તેલ મિક્સ કરીને પાણીથી લોટ બાંધો. આ લોટમાંથી પરાઠા બાનવીને ઘીમાં શેકો. દહીં, ટામેટાની ચટણી, માખણ, અથાણું, જીણા સમારેલા સલાડ સાથે સર્વ કરો.
7) દાળ-ચોખાની ખીચડી : એક પેનમાં 2 ચમચી ઘી કરીને, 2 વાડકી રાંધેલા ભાત, 2 વાડકી કોઈપણ દાળ, 1 વાડકી કોઈપણ શાક બનાવ્યું હોય તે, 1 કપ જીણું સમારેલ સલાડ, 2 લીંબુનો રસ, કપ કોથમીર અને 1/4 કપ માખણ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. થોડીવાર રાંધ્યા પછી તેમાં ચીઝ મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.
8) ફ્રુટ મિલ્ક શેક : જો તમારું બાળક કેળા, ચીકુ, કેરી વગેરે ન ખાતું હોય તો આ ફળોમાંથી મિલ્ક શેક બનાવીને તેને આપો. આમ કરવાથી બાળકને ખબર પણ નહીં પડે શું ઉમેરેલું છે અને તેને તમામ પોષક તત્વો પણ મળી જશે.
9) લાલ પરોઠા : રોટલીના લોટમાં મીઠું, કાળા મરીનો પાવડર, પીસેલા ટામેટા અને બીટ અને મોયન માટે તેલ મિક્સ કરીને પાણીથી લોટ બાંધો. આ લોટમાંથી પરાઠા બનાવીને ઘીમાં શેકી લો. પરાઠાને લીલી ચટણી, દહીં, માખણ, સમારેલા સલાડ સાથે સર્વ કરો.
10) રિસોટા : એક પેનમાં 2 ટીસ્પૂન ઘી ગરમ કરીને તેમાં લીલા મરચાં, અડધો કપ સમારેલા કેપ્સિકમ, 1/4 કપ ગાજર, કપ ડુંગળી લાંબી કાપેલી અને અડધો કપ વટાણા નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં ધોયેલા ચોખા ઉમેરીને થોડીવાર સાંતળો. હવે તેમાં 1/4 ટીસ્પૂન કાળા મરી પાવડર, 1/4 ટીસ્પૂન તજ પાવડર, અડધો કપ ટામેટાની પ્યુરી, 2 ટીસ્પૂન ટામેટા સોસ, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. પછી 2 કપ પાણી ઉમેરીને 1 સીટી વાગે ત્યાં સુધી કુકરમાં પકાવો. છેલ્લે છીણેલું ચીઝ નાખીને ગાર્નિશ કરો.