હવે તમારું બાળક પણ પૈસા બચાવતું થઇ જશે, આ રીતે બાળકને પૈસા બચાવવાનું કૌશલ્ય શીખવો

ઘર એ બાળકની પહેલી શાળા કહેવાય છે અને માતા તેમની પહેલી શિક્ષક કહેવાય છે. માતા જ બાળકને ઘરની બહારની દુનિયા બતાવે છે અને દુનિયા વિશે સમજાવે પણ છે. દરેક માતાની ઈચ્છા હોય છે કે તેના બાળકને દુનિયાની બધી ખુશીઓ મળે અને હંમેશા ખુશ રહે.

આ માટે માતા સખત મહેનત અને નાની બચત કરીને તેના બાળકના સારા ભવિષ્યની કલ્પના કરે છે. પરંતુ દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને આ યુગમાં બાળકની ઈચ્છાઓ પર ધ્યાન અને સારા ભવિષ્યની કલ્પના બંને એકસાથે રાખવા એ કંઈ સહેલું કામ નથી.

દેખીતી રીતે બાળકના સારા ભવિષ્યની કલ્પના કરવાનું બંધ નથી કરી શકાતું પરંતુ બાળકની આકાંક્ષાઓને ચોક્કસપણે નિયંત્રિત કરી શકાય છે. ફાઇનાન્સ નિષ્ણાત મુજબ તમારા સપનાઓને તોડી નાખવાનો નથી, પરંતુ તેના બદલે તમે બાળકને શીખવાડો કે તેના સપના પૂરા કરવા માટે પૈસા બચાવવા કેટલા મહત્વપૂર્ણ છે.

રમકડા તરીકે આપો બાળકોની દુકાન : ભલે તમે તમારા બાળકને ઘણાં મોંઘા રમકડાં લાવી આપો પરંતુ આ રમકડાંની સાથે તમારે તેને ગુલ્લક બેંક પણ આપવી પડશે. બાળકને પિગી બેંકનું મહત્વ સમજાવો અને દરરોજ તેમાં પૈસા પણ નાખવા માટે પ્રેરિત કરો. આ કામની શરૂઆત તમારે જાતે કરવાની છે.

જો બાળક તમને દરરોજ પિગી બેંકમાં પૈસા મૂકતા જોશે તો તે તેની જાતે જ પૈસા બચાવવા માટે પ્રેરિત થશે. પિગી બેંકમાં પૈસા મૂકવા માટે, તમારે બાળકને ત્યારે જ પૈસા આપવા જોઈએ જ્યારે તે તમારા માટે કોઈ નાનું કામ કરે.તેનાથી બાળકને ખબર પડશે કે કોઈપણ કામ કરવાના બદલામાં જ પૈસા મળે છે.

આ રીતે તે પૈસાની કિંમત સમજી શકશે. તમારા બાળકને ફાધર્સ – મધર્સ ડે અને બર્થ ડે જેવા અમુક દિવસોનું મહત્વ શીખવો અને જમા કરેલા પૈસાનો ઉપયોગ બીજાને ભેટ આપવા અથવા તમારા માટે સામાન ખરીદવાની ટેવ પાડો. આ રીતે બાળક સમજી શકશે કે તેને કોઈ વસ્તુ ખાસ પ્રસંગે હશે ત્યારે જ મળશે.

બાઈકનું એટીએમ ના બનો : બાળક સાથે મુસાફરી કરતી વખતે તેને કોઈ વસ્તુની જરૂર હોય અને તે તમને તે વસ્તુ ખરીદવા માટે કહે છે. પરંતુ આ ટેવ ના પાડો. આવી સ્થિતિમાં બાળકને લાગશે કે જ્યારે પણ તમે તેમની સાથે હશો ત્યારે તેમને જે જોઈએ છે તે બધી વસ્તુ મળશે.

પરંતુ જો તમે બાળક સાથે બહાર જતા પહેલા તેમને જણાવો કે આપણી પાસે આટલા પૈસા છે અને એટલો જ ખર્ચ કરવાનો છે, તો તેઓ કદાચ દરેક વસ્તુને જોયા પછી તમને તે ખરીદવા માટે કહેશે નહીં.

જો બાળક હજુ પણ કોઈ વસ્તુ ખરીદવા માટે જીદ કરે છે તો તેને સમજાવો કે તે જે વસ્તુ ખરીદવા માંગે છે તેની કિંમત તેના પર્સમાં રહેલા પૈસા કરતાં વધારે છે. તેનાથી બાળકોને મોંઘી અને સસ્તી વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજી જશે અને જીદ પકડશે નહીં.

બાળકની દરેક જીદ પૂરી ના કરો : બાળકોનું કામ જ છે જીદ કરવું, પરંતુ જો તમે તેમની દરેક જીદ પૂરી કરશો તો તેઓ ક્યારેય પૈસાની કિંમત સમજી શકશે નહીં અને આ સાથે જ તેમને લક્ઝરીની લાઈફની આદત પડી જશે. જો બાળકો કોઈપણ વસ્તુની જીદ કરે છે તો તેમને સમજાવો કે તેઓ જે પૈસા વેડફશે તે તેમની કોઈ જરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે વાપરો.

તમારા બાળકોને એ જ સમયે એવું પણ સમજાવો કે, જે વસ્તુઓ ખરેખર જરૂર છે તે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવામાં નહીં આવે તો તેમને ભવિષ્યમાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ રીતે તે તેમની જીદ પકડવાનું પણ ધીરે ધીરે છોડી દે છે.

બેન્ક વિશે માહિતી આપો : તમારા બાળકને બેંકિંગ વિશે પ્રાથમિક જ્ઞાન આપો. જ્યારે પણ તમે બેંકમાં જાઓ ત્યારે બાળકને સાથે લઈ જાઓ. બાળકને બેંકનું મહત્વ સમજાવો અને કહો કે તેના પૈસા બેંકમાં કેવી રીતે સુરક્ષિત છે અને જરૂર પડે ત્યારે તે કેટલા કામ આવે છે. જો શક્ય હોય તો, બાળકનું પણ ખાતું ખોલાવો.

ચોક્કસ પોકેટ મની આપો : દરેક માતા-પિતા તેમના બાળક જ્યારે તે મોટો થાય ત્યારે તેને પોકેટ મની આપે છે, પરંતુ બાળક જ્યારે શાળાએ જવાનું શરૂ કરે છે ત્યારથી તેને અમુક ચોક્કસ પોકેટ મની આપવાનું શરુ કરી દો.

તમે આ પૈસા તેની પિગી બેંકમાં નાખવાનું કહો અને સમય સમય પર તે પૈસાથી બાળક માટે જરૂરી વસ્તુઓ ખરીદતા રહો. બાળકને પિગી બેંકમાં પૈસા ઉપાડવાનું અને મૂકવાનું કહો, તેનાથી બાળક બુદ્ધિશાળી બનશે. તે પૈસાની ગણતરી સમજી શકશે અને જરૂર પડશે ત્યારે પૈસા કેવી રીતે ખર્ચવા તે વિશે પણ સમજદાર બનશે.