શું તમે પણ ઘરે એક જ સ્ટાઇલના ઢોસા ખાઈને કંટાળી ગયા છો? અને કેમ નહિ કંટાળી જાઓ, જો દરરોજ તમને એક જ વસ્તુ ખાવા માટે આપવામાં આવે તો બધા કંટાળી જશે. પરંતુ આ વખતે જયારે પણ તમે ઘરે ઢોસા સાથે બનાવો ત્યારે એક પ્રયોગ કરી શકો છો અને તેને નવો સ્વાદ આપી શકો છો.
તમે ક્યારેક તો મેગી અથવા મોમોસની જોડે શેઝવાન ચટણી તો ખાધી જ હશે અને શેઝવાન સોસ કોઈપણ ભોજનનો સ્વાદ બદલી નાખે છે. તો આવી સ્થિતિમાં તમે ડોસામાં શેઝવાન ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો અને તમારા બાળકોને નવા સ્વાદ સાથે શેઝવાન ઢોસા ખવડાવો. ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી.
સામગ્રી : અઢી કપ ઢોસા બેટર, 1/4 કપ કોબીજ, 1/4 કપ ગાજર, 1/4 કપ કેપ્સીકમ, 3 મોટી ચમચી ફ્રેન્ચ બીન્સ (કાપેલી), 1/2 ચમચી આદુ જીણું સમારેલ, 1 ટીસ્પૂન લસણ ઝીણું સમારેલું, 2 લીલા મરચા ત્રાંસા કાપેલા, 3 ચમચી લીલી ડુંગળી લંબાઈમાં કાપેલી, 1 ચમચી સોયા સોસ, 3/4 કપ શેઝવાન સોસ, 1 કપ રાઈસ વિનેગર, 2 ચમચી ટોમેટો કેચપ, 1/2 ચમચી કાળા મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું
બનાવવાની રીત : સૌથી પહેલા તમારે ઢોસા માટે તેનું ભરણ બનાવવાનું છે. પૂરણ બનાવવા માટે એક કઢાઈ લો અને તેમાં તેલ નાખીને ગેસ પર મૂકો. જેવું તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું આદુ અને લસણ નાખીને થોડી સેકંડ માટે સારી રીતે સાંતળી લો.
જ્યારે આદુ અને લસણ સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી અને લીલા મરચા નાખીને ફરીથી સાંતળો. આ પછી તેમાં શિમલા મિર્ચ, ગાજર, કોબી અને બીન્સ નાખીને ઉંચી આંચ પર સાંતળી લો. ધ્યાન રાખો કે શાકભાજી ક્રિસ્પી હોવા જોઈએ, જેથી કરીને ઢોસાનો સ્વાદ બમણો થઈ જશે.
જો તમે ઇચ્છો તો ઢોસાના ભરણ માટે તમે તમારી પસંદગી મુજબ કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. બધા શાકભાજીને સાંતળ્યા પછી શેઝવાન સોસ, ટોમેટો સોસ, સોયા સોસ, રાઈસ વિનેગર, કાળા મરી અને સ્વાદનુસાર મીઠું નાખો.
હવે બધું બરાબર ટૉસ કરો જેથી કરીને ચટણી શાકભાજી સાથે સરળતાથી ભળી જાય. હવે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લો. છેલ્લે લીલી ડુંગળીથી ભરણને ગાર્નિશ કરો. પછી ઢોસાનું સ્ટફિંગ ઠંડુ થવા માટે રાખો.
હવે ઢોસા બનાવવા માટે સૌપ્રથમ એક નોન સ્ટિક પેનને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. જ્યારે પેન ગરમ થાય ત્યારે તેમાં થોડું તેલ નાખો અને પછી ઢોસાનું બેટર પેન પર ફેલાવો. પરફેક્ટ ઢોસા બનાવવા માટે ડોસાની ઉપર અને બાજુઓ પર તેલ લગાવો, જેથી કરીને ડોસાને પેન પર ચોંટે નહિ.આ પછી ડોસા પર શેઝવાન સોસ નાખીને ફેલાવો.
ઢોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને પાકવા દો અને તેને સારી રીતે શેકી લો. હવે તૈયાર કરેલું સ્ટફિંગ ઢોસાની એક બાજુ પર મૂકો અને ઢોસાને એક બાજુથી ફોલ્ડ કરો. તો તમારા શેઝવાન ડોસા તૈયાર છે. તમે તેને નારિયેળની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
જો તમને પણ આ રેસિપી ગમી હોય તો, આવી જ અવનવી વાનગી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.