શિયાળામાં ખાસ અને મગજને તેજ કરવા માટે, હાડકાને મજબૂત બનાવવા માટે અને એનર્જીથી ભરપૂર, આજે આપણે જોઈશું ગુંદના લાડવાની રેસિપી. આ રેસિપીમાં અમે તમને અલગ જ રીતે લાડવા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. જો તમને રેસિપી પસંદ આવે તો આગળ જરૂરથી મોકલજો. ચાલો જાણીએ ગુંદના લાડવા બનાવવાની રીત.
સામગ્રી : ઘી – 5 ચમચી, ગુંદ – 1/2 કપ, બદામ – 1/4 કપ, કાજુ – 1/4 કપ, મખાના – 1/2 કપ, પિસ્તા – 2 ચમચી, કાળી કિસમિસ – 2 ચમચી, સૂકું છીણેલું નારિયેળ – 1/2 કપ, તરબૂચના બીજ – 2 ચમચી, ખસખસ – 2 ચમચી, ચણાનો લોટ – 2 ચમચી, ઘઉંનો લોટ – 225 ગ્રામ, ઈલાયચી પાવડર – 1/2 ચમચી, સૂકા આદુનો પાવડર – 1 ચમચી, જાયફળ પાવડર – 1/2 ચમચી, સમારેલો ગોળ – 250 ગ્રામ અને પાણી – 2 ચમચી.
ગુંદના લાડવા બનાવવા માટે, એક કઢાઈને ગેસ પર મૂકો, હવે તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને પીગળવા દો. ઘી ઓગળી જાય પછી 100 ગ્રામ ગુંદ ઉમેરો, હવે ગુંદને સતત હલાવતા રહો અને ધીમી આંચ પર શેકી લો. થોડા સમય પછી, ફ્રાય કરેલા ગુંદને પ્લેટમાં કાઢી લો. આ રીતે થોડો થોડો કરીને બધો ગુંદને ઘી માં શેકી લો.
હવે એ જ ઘીમાં 1/4 કપ બદામ અને 1/4 કપ કાજુ ઉમેરો અને 1 મિનિટ માટે સારી રીતે ફ્રાય કરો. 1 મિનિટ પછી જાકુ અને બદામને પ્લેટમાં કાઢી લો. હવે એજ કડાઈમાં 1 ચમચી કિસમિસ અને 1 ચમચી પિસ્તા ઉમેરો અને ફ્રાય કરો. થોડા સમય પછી, કિસમિસ અને પિસ્તાને પણ પ્લેટમાં કાઢી લો.
હવે એ જ રીતે 1/2 કપ મખાનાને ઘી માં શેકીને પ્લેટમાં કાઢી લો. હવે કડાઈમાં (ઘી કે તેલ ઉમેર્યા વગર) 1/2 કપ છીણેલું સૂકું નારિયેળ ઉમેરો અને અડધી મિનિટ ધીમી આંચ પર શેકી લો. જેવી નાળિયેલમાંથી સુગંધ આવવા લાગે એટલે તેને પ્લેટમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો.
એ જ રીતે સૂકી કઢાઈમાં, 2 ચમચી તરબૂચના બીજ અને 2 ચમચી ખસખસ ઉમેરો અને થોડી વાર તેને શેકી લો અને અલગ પ્લેટમાં કાઢી લો. હવે શેકેલા ગુંદ ઠંડો થઇ જાય એટલે તેને ક્રશરની મદદથી સારી રીતે દબાવીને ક્રશ કરો. તમે ખાંડણીમાં પણ પીસી શકો છો. જો ગુંદ થોડો બરછટ રહે છે તો તે ખાવામાં ક્રન્ચી લાગશે.
હવે મિક્સર જાર લો અને તેમાં શેકેલા તરબૂચના બીજ અને ખસખસ ઉમેરો, તેનો બરછટ પાવડર બનાવો અને તેને મોટા બાઉલમાં કાઢી લો. એ જ મિક્સર જારમાં શેકેલી બદામ અને કાજુ, પિસ્તા ઉમેરો, તેનો બરછટ પાવડર બનાવો અને તેને મોટા બાઉલમાં કાઢી લો.
હવે મિક્સર જારમાં શેકેલા મખાના ઉમેરો, તેનો બરછટ પાવડર બનાવો અને તેને બાઉલમાં કાઢી લો. હવે એક મોટા બાઉલમાં, શેકેલું નારિયેળ, ગુંદ, મિક્સરમાં પાવડર બનાવેલા બધા શેકેલા ડ્રાયફ્રુટ અને શેકેલી કિસમિસ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
હવે કઢાઈને ગેસ પર મૂકીને 2 ચમચી ઘી ઉમેરો અને ઓગાળી લો. ઘી ઓગળી જાય પછી તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખીને ધીમી આંચ પર સારી રીતે શેકી લો. એક મિનિટ પછી, તેમાં 225 ગ્રામ ઘઉંનો લોટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી ધીમી આંચ પર શેકી લો.
ઘઉંનો લોટ સોનેરી થઈ જાય પછી, ગેસ બંધ કરો, પછી તેમાં 1/2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી સૂંઠ અને 1/2 ચમચી જાયફળ પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેને એજ બાઉલમાં કાઢી લો, જે બાઉલમાં ડ્રાયફ્રુટ પાવડર, પીસેલો ગુંદ વગેરે મિક્સ કરેલું છે. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
હવે ગોળની ચાસણી કરવાની છે તો, આ માટે એક કઢાઈને ગેસ પર મૂકો, તેમાં 250 ગ્રામ સમારેલો ગોળ, 2-3 ચમચી પાણી અને 1 ચમચી ઘી ઉમેરો અને ધીમી આંચ પર ગોળ ઓગાળવા દો. ચાસણીનો એક ઉભળો આવે, એટલે તેને ગેસ પરથી ઉતારીને, પેલા ગુંદ, ડ્રાયફ્રુટ અને લોટના મિશ્રણમાં, થોડી-થોડી કરીને લાડુના મિશ્રણમાં ચાસણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
મિશ્રણ થોડું ઠંડુ થાય પછી લાડુના મિશ્રણમાંથી લાડુ બનાવી લો. તો તમારા પરફેક્ટ ગુંદના લાડુ તૈયાર છે. શિયાળાની ઠંડીમાં તમે આનંદ માણો. જો તમને રેસિપી ગમી હોય તો એકવાર ઘરે જરૂર ટ્રાય કરો. આવી જ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.