ઘરમાં રહેલી 2 વસ્તુથી બનાવો, માત્ર 5 મિનિટમાં કેટલીક ટિપ્સ સાથે તૈયાર થતા ગળ્યા પુડલા

આજે તમને જણાવીશું સૌથી સરળ રીતે ઘરમાં રહેલી ફક્ત 2 વસ્તુથી બનતા ગળ્યા પુડલા ની રેસિપી. જયારે પણ ઘરે ગળ્યું ખાવાનું મન થાય તો જરૂર બનાવો ગળ્યા પુડલા. ગળ્યા પુડલાને ફક્ત 5 મિનિટમાં સરળ રીતે બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ગળ્યા પુડલા બનાવવાની સૌથી સરળ રીત.

પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ પાણી, અડધો કપ ગોળ, 1 કપ ઘઉંનો લોટ, અડધી ચમચી ઈલાયચી પાવડર, અડધી ચમચી વરિયાળીનો પાવડર, અડધી ચમચી દળેલી ખાંડ, અડધી ચમચી ઘી, 3/4 કપ પાણી.

પુડલા બનાવવાની રીત:  પુડલા બનાવવા માટે સૌથી પહેલા ગોળને મેલ્ટ કરવા માટે એક કડાઈમાં પાણી અને ગોળ ઉમેરો.  ગોળ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો અને ગોળવારા પાણીને ઠંડુ કરવા રાખી દો.

ગોળવારા પાણીને ઠંડુ કરીને જ બેટરમાં ઉમેરવું. જો પાણી ગરમ હશે તો પુડલા સારા બનશે નહીં. હવે એક મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ, ઈલાયચી પાવડર, વરિયાળી પાવડર અને દળેલી ખાંડ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં ધીમે ધીમે ગોળનું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જાણો અને પુડલાનું બેટર બનાવો. એક વાતનું ધ્યાન રાખો કે પુડલાનું બેટર એકદમ પાતળું કે વધુ ઘટ્ટ ન હોવું જોઈએ. બેટર પાથળી શકાય તેવું બનાવવું. તૈયાર થયેલા બેટરને 25 થી 30 મિનિટ સુધી ઢાંકીને રહેલા દો.

બેટરને થોડો સમય ઢાંકીને રાખવાથી ઘઉંનો લોટ સારી રીતે પલળી જાય છે અને પુડલા સારા બને છે. જો બેટર વધુ પાતળું થઇ ગયું હોય તો થોડો ઘઉંનો લોટ ઉમેરી શકો છો અને જો બેટર વધુ ઘટ્ટ હોય તો થોડું પાણી ઉમેરી શકો છો.

હવે પુડલા બનાવવા માટે તવાને ગેસ પર ગરમ કરો. (ઢોસા બનાવવા ઉપયોગ લેવાતો તવો લઇ શકો છો). ધીમો ગેસ રાખીને પુડલાના બેટર વડે નાની સાઈઝના પુડલા બનાવો. હવે થોડું ઘી લો અને પુડલા ની બાજુઓ પર રેડો. એક વાતનું ધ્યાન રાખો પુડલાને મધ્યમ તાપ પર શેકવો.

એકબાજુ પુડલા શેકાઈ જાય એટલે બીજી બાજુ પુડલાને પલટાવી દો. પુડલા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પુડલા તૈયાર થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો. તો અહીંયા તમારા એકદમ ટેસ્ટી અને જાળીદાર પુડલા બનીને તૈયાર છે. આ પુડલાને અથાણાં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.