બાળકોને નાનપણથી જ આટલી વસ્તુઓ શીખવાડી દો, તમારું બાળક જીંદગીમાં કોઈપણ જગ્યાએ પાછું નહીં પડે

child development in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જીવનને વધુ સારી અને સુખી રીતે જીવવા માટે આપણી પાસે અમુક જીવન માટેની આવડત હોવી જોઈએ. ઘણીવાર માતાપિતા વિચારે છે કે તેમનું બાળક હજી નાનું છે અને તેને આ બધી સ્કિલની ક્યાં જરૂર છે. જ્યારે તે મોટો થશે ત્યારે તે જાતે જ શીખી લેશે. તમારો આ વિચાર બિલકુલ ખોટો છે.

બાળકો તમે સમજો છો તેના કરતાં ઘણું બધું શીખવામાં સક્ષમ હોય છે અને આ જ તેમની ઉંમર છે જ્યારે તમે બાળકમાં સારી ટેવો કેળવી શકો છો. એવું પણ કહેવાય છે કે બાળકો માટી જેવા હોય છે અને તમે તેમને જે ઘાટમાં ઘડશો તે ઘાટમાં સરળતાથી ઘડાઈ જશે. પરંતુ જ્યારે બાળક મોટું થઇ જાય છે, ત્યારે તેમના માટે કોઈ પણ નવી વસ્તુ શીખવી કે અપનાવી તેમના માટે ખૂબ જ મુશ્કેલ હોય છે.

જો તમે પણ ઈચ્છો છો કે તમારા બાળકો જીવનમાં સફળ થાય અને ખુશ રહે તો તે ખૂબ જ જરૂરી છે કે તમે તેમને નાનપણથી જ કેટલીક લાઈફ સ્કીલ્સ શીખવો. તો આજે અમે તમને એવી જ કેટલીક જીવન કૌશલ્યો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારે બાળકોને બાળપણમાં જ શીખવવી જોઈએ.

નિર્ણય લેવાની ક્ષમતા : આ કૌશલ્ય બાળકને તેના જીવનના દરેક તબક્કે જરૂરી છે, પછી તે મિત્રોની પસંદગી, અભ્યાસ હોય કે તેની કારકિર્દી વિશે હોય. તેથી તમે તેમને નાનપણથી જ પોતાના નિર્ણયો જાતે લેવાનું શીખવો. જરૂરી નથી કે લેવાયેલા નિર્ણયો ખૂબ મુશ્કેલ હોય. શરૂઆતમાં તમે તેમને નાના નિર્ણયો લેવા દો. ઉદાહરણ તરીકે,આજે રાત્રે જમતી વખતે કેવા કપડાં પહેરશે અથવા શું શાક ખાશે. આનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધશે અને તે પોતાના નિર્ણયો જાતે લેતા શીખી જશે.

હેલ્થ અને સ્વચ્છતા : વ્યક્તિ સફળતાનો સ્વાદ ત્યારે જ ચાખી શકે અથવા સફળ વ્યક્તિ ત્યારે જ બધી ખુશી મેળવી શકે જયારે તેનું શરીર તેને સાથ આપે. જેમ કે શરીરનું કોઈ અંગ બંધ થઇ જાય તો, સફળ વ્યક્તિ પણ જિંદગીની માજા માણી શકતો નથી. આપણે બાળપણથી જ બાળકોને બ્રશ કરવા, નહાવાનું કે હાથ ધોવાનું કહીએ છીએ, પરંતુ તેની પાછળનું કારણ બાળકોને ક્યારેય સમજાવતા નથી.

જેના કારણે તેમનામાં સ્વચ્છતાનું જીવન કૌશલ્ય વિકસિત થતું નથી. તેથી જો તમે તમારા બાળકને કંઈક કરવા માટે કહો છો તો તેને તેનું કારણ પણ સાથે જણાવો. આ ઉપરાંત, આરોગ્યની કાળજી લેવી કેટલી મહત્વપૂર્ણ છે અને તે સ્વચ્છતા રાખીને કરી શકે છે તે સમજાવો .

ટાઈમ મેનેજમેન્ટ : આપણે જાણીએ છીએ કે તણાવમુક્ત અને સફળ જીવન જીવવા માટે ટાઈમ મેનેજમેન્ટ કેટલું જરૂરી છે. તમારે બાળકમાં આ જીવન કૌશલ્ય વિકસાવવું જોઈએ. શરૂઆતમાં તમે બાળકને ટાઈમ ટેબલ બનાવવાનું કહો, જેમાં તે લખશે કે તે આજે કયું કામ કરશે અને તે કેટલા સમયમાં કરશે. શરૂઆતમાં, તે સમયસાર કામ કરી શકશે નહીં, પરંતુ ધીમે ધીમે તે સમયની કિંમત પણ સમજી જશે.

પૈસાનું મેનેજમેન્ટ : સમયની જેમ, બાળકોને પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પણ આવડવું જોઈએ. જો તે એકવાર પૈસાનું સંચાલન કેવી રીતે કરવું તે જાણી જશે, તો તે કોઈપણ સમસ્યા વગર તેના જીવનના મુશ્કેલ ઘડીમાંથી બહાર નીકળી જશે. આ માટે, તમે બાળકને પિગી બેંક લાવો અને તેને દરરોજ થોડા પૈસા નાખવાનું કહો.

જો તેને કોઈ રમકડું અથવા વસ્તુ લેવી હોય તો તેને સીધી ખરીદીને આપવાને બદલે તેને પિગી બેંકમાં પડેલા પૈસાથી ખરીદવાનું કહો. જ્યારે તે વસ્તુ ખરીદવાના પૈસા ભેગા થઇ જાય પછી જ તેમને તે વસ્તુ ખરીદીને આપો. તેનાથી બાળકોને પૈસાનું મહત્વ ખબર પડશે અને તેઓ પૈસાનું સંચાલન કરતા પણ શીખશે.

જાતે તૈયાર થવું : આના પર કદાચ તમારું ધ્યાન જતું નથી, પરંતુ બાળકને આ જીવન કૌશલ્ય નાનપણથી જ શીખવવું જોઈએ. દાખલા તરીકે, તેણે શાળાએથી આવીને પોતાનાં કપડાં જાતે જ બદલવા જોઈએ અને પોતાનો સામાન અને સ્કૂલ બેગ વગેરે સામાન યોગ્ય જગ્યાએ રાખવો જોઈએ.

આ એક નાની વાત લાગે છે પરંતુ આ રીતે બાળક સંયમિત જીવન જીવવા લાગે છે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બનવા તરફનું આ તેમનું પહેલું પગલું કહી શકાય છે. જ્યારે બાળક પોતાની સંભાળ લેવાનું શીખે છે, ત્યારે તેનાથી તેની ઘણી બધી મુશ્કેલીઓ હળવી થઇ જાય છે.

આ લેખ વાંચ્યા પછી તમે પણ સમજી જ ગયા હશો કે બાળકોને નાનપણથી જ આ સ્કિલ શીખવવી કેટલી મહત્વની છે. તો તમે પણ જરૂર શીખવાડો આ જીવન કૌશલ્ય. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.