અનિચ્છનીય વાળ હોવા સામાન્ય છે. પરંતુ જ્યારે સ્ત્રીઓની વાત આવે ત્યારે અનિચ્છનીય વાળ તેમની સુંદરતા પર અસર કરે છે, ખાસ કરીને જો વાળ ખૂબ જ બારીક હોય તો વેક્સિંગથી પણ દૂર કરવા મુશ્કેલ કામ છે.
ખાસ કરીને જો વાત ચહેરાના અને ગરદનના વાળ દૂર કરવાની હોય તો આ કામ જોખમી છે. આવી સ્થિતિમાં તમે દાદીના જમાનામાં કેટલાક નુસ્ખા અજમાવી શકો છો. તો આવો જાણીયે કે તમે કેવી રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ચહેરા અને શરીરના અન્ય ભાગો પરના બારીક વાળને દૂર કરી શકો છો.
સામગ્રી : 1 ચમચી બેસન, 1 ચમચી મલાઈ અને 1 ચપટી હળદર.
વિધિ : સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, મલાઈ અને હળદર મિક્સ કરીને તેની ઝીણી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. હવે પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરા પર તમારી આંગળીઓને ધીમે ધીમે ફેરવતા જાઓ અને પેસ્ટને દૂર કરો. સારું પરિણામ મેળવવા માટે આ નુશખો નિયમિતપણે અજમાવો.
ચણાનો લોટ લગાવતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો : પહેલા ચહેરાને ગુલાબજળથી ટોનિંગ કરો. જો ગુલાબજળ ન હોય તો દૂધથી ફેશિયલ ટોનિંગ કરો. પછી ચહેરા પર નીચેથી ઉપરની તરફ 2 મિનિટ સુધી મસાજ કરો. પછી આંગળીઓને અંદરની તરફ ફેરવીને પેસ્ટને ચહેરા પર લગાવો. જયારે લેપ દૂર કરો ત્યારે આંગળીઓને બહારની તરફ ફેરવતા દૂર કરો.
ચણાના લોટની પેસ્ટ ચહેરા પર લગાવતી વખતે આ બાબતો ધ્યાન રાખો : જો ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો ચણાના લોટનો ઉપયોગ કરતા પહેલા સ્કિન નિષ્ણાત સાથે વાત કરો અથવા એક નાનો ટેસ્ટ કરો.
જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે મલાઈને બદલે દહીંનો ઉપયોગ કરવો જોઈએ. જો પહેલાથી જ ચહેરા પર ખીલની સમસ્યા હોય તો આ પેસ્ટ ન લગાવો. ચણાના લોટની પેસ્ટને ત્વચા પર લગાવો ત્યારે સંપૂર્ણપણે સૂકવવા ન દો. નહીંતર લેપ દૂર કરવો મુશ્કેલ બની શકે છે.
આ પેસ્ટને લગાવ્યા પછી અને કાઢી નાખ્યા પછી, ત્વચાના પ્રકાર મુજબ ફેસ વોશથી ચહેરો સાફ કરો અને પછી સારો ફેસ પેક લગાવો જેથી ત્વચાના છિદ્રો ખુલી ગયા હોય તો બંધ થઈ જાય. આ ચણાના લોટની પેસ્ટને કાઢો ત્યારે ચહેરાને જોરશોરથી ઘસશો નહીં. નહીં તો ફોલ્લીઓ થઈ શકે છે.
ચણાનો લોટ ત્વચા પર લગાવવાના ફાયદા : બેસનમાં એક્સફોલિએટિંગ પાવર હોય છે. ત્વચાના અંદરની પરતમાંથી ગંદકી દૂર કરવાનું અને તેને સાફ કરવાનું કામ ચણાના લોટથી સારી રીતે કરી શકાય છે. ચણાનો લોટ ત્વચાને ગોરો બનાવે છે એ કહેવું કદાચ ખોટું હશે પરંતુ તે ત્વચાને ચમકદાર અને મુલાયમ જરૂર બનાવે છે.
ચણાના લોટની પેસ્ટથી ત્વચા પર હાજર ડેડ સ્કિનને દૂર કરી શકાય છે. જો તમારી ત્વચા ખૂબ જ ઓઈલી હોય તો તમે ત્વચામાંથી વધારાનું ઓઇલ દૂર કરવા માટે ચણાના લોટની પેસ્ટ લગાવી શકો છો. ચણાના લોટની પેસ્ટ ત્વચાને ટાઈટ કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
ચણાના લોટના અન્ય ઘરેલું ઉપચાર : ત્વચાને ડીપ મોઇશ્ચરાઇઝ કરવા માટે તમે ચણાના લોટ અને મધ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. ત્વચાની ટેનિંગ દૂર કરવા માટે ચણાનો લોટ, હળદર, ચંદન, દૂધ મિક્સ કરીને લગાવો. વધતી ઉંમરની અસર ઓછી કરવા માટે ટામેટાનો રસ અને ચણાના લોટનો ફેસ પેક બનાવીને લગાવી શકો છો.
ડેડ સ્કિનને દૂર કરવા માટે ચણાનો લોટ અને એલોવેરા જેલનો ફેસ પેક બનાવીને ઉપયોગ કરી શકાય છે. જો તમારી ત્વચા ખુબ જ સંવેદનશીલ હોય તો તમારે ત્વચા નિષ્ણાતની સલાહ લીધા વગર ચહેરા પર ચણાનો લોટ ના લગાવવો જોઈએ. જો તમને આ બ્યુટી ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.