ઉનાળાની ગરમીની ઋતુ ચાલી રહી છે અને આ સિઝનમાં કુલ્ફી ખાવાનું કોને પસંદ નથી હોતું. કુલ્ફીનું નામ સાંભળતા જ બાળકો જ નહીં પરંતુ વડીલોના મોઢામાં પણ પાણી આવી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઘરે ટેસ્ટી કુલ્ફી બનાવવા માંગતા હોય તો તમારે આ રેસિપી અવશ્ય વાંચવી જોઈએ.
કારણ કે આજની આ રેસિપીમાં અમે તમને કુલ્ફીની કેટલીક બેસ્ટ રેસિપી લઈને આવ્યા છીએ જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ કુલ્ફીઓને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી અને તમારે વધારે મહેનત કરવાની પણ કોઈ જરૂર નથી. તમે કોઈપણ ખાસ પ્રસંગે આ કુલ્ફીઓને સર્વ કરી શકો છો.
1. મલાઈ પિસ્તા કુલ્ફી માટે સામગ્રી : દૂધ 1/2 લીટર, ખાંડ 1/2 કપ, ઈલાયચી પાવડર 1/2 ચમચી, પિસ્તા 1/3 કપ, ક્રીમ 2 ચમચી.
મલાઈ પિસ્તા કુલ્ફી બનાવવાની રીત : સૌથી પહેલા એક કડાઈમાં દૂધ નાખીને સારી રીતે ઉકાળો અને જ્યારે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખી ઓગળી જાય ત્યાં સુધી પકાવો. જ્યારે દૂધ અડધું થઈ જાય એટલે તેમાં ઈલાયચી અને મલાઈ ઉમેરીને ફરીથી થોડીવાર પકાવો.
લગભગ 4 મિનિટ પકાવ્યા પછી તેમાં પિસ્તા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને ગેસ બંધ કરી દો. દૂધ ઠંડુ થાય એટલે તે બેટરને કુલ્ફીના મોલ્ડમાં મિશ્રણ નાખી ઢાંકણ બંધ કરી દો. પછી તેને લગભગ 5-6 કલાક માટે ફ્રીજમાં મૂકી દો.
2. સ્ટ્રોબેરી કુલ્ફી માટે સામગ્રી : દૂધ 1/2 લિટર, કન્ડેન્સ્ડ દૂધ 2 ચમચી, ખાંડ 2 ચમચી, સ્ટ્રોબેરી પ્યુરી 1/2 કપ, ઈલાઈચી પાવડર 1 ચમચી, મલાઈ 1 ચમચી , ડ્રાઈફ્રૂટ 1 ચમચી.
સ્ટ્રોબેરી કુલ્ફી બનાવવાની રીત : સૌથી પહેલા એક કડાઈમાં દૂધ નાખીને ઉકાળો. જ્યારે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ખાંડનો પાવડર અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને તે ઓગળી જાય ત્યાં સુધી થોડી વાર પકાવો. હવે જ્યારે દૂધ અડધું થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી અને મલાઈ ઉમેરીને થોડીવાર પકાવો.
થોડીવાર પકાવ્યા પછી તેમાં સ્ટ્રોબેરીની પ્યુરી ઉમેરો અને થોડી વાર પછી ગેસ બંધ કરી દો. હવે જયારે દૂધ ઠંડું થઇ જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીને બરાબર મિક્ષ કરીને કુલ્ફીના મોલ્ડમાં નાખીને બરાબર ઢાંકી દો. હવે કુલ્ફીને લગભગ 5-6 કલાક માટે ફ્રીજમાં મૂકી દો. તો તૈયાર છે સ્ટ્રોબેરી કુલ્ફી.
3. મિન્ટ કુલ્ફી માટે સામગ્રી : દૂધ 2 કપ, કન્ડેન્સ્ડ દૂધ 1 ચમચી, ઈલાયચી પાવડર 1/2 ચમચી, બદામ પાવડર1 ચમચી, કાજુની પેસ્ટ 1 ચમચી, ફુદીનાના પાન 10-12, ખાંડનો પાવડર 3 ચમચી.
બનાવવાની રીત : સૌથી પહેલા ફૂદીનાના પાનને સાફ કરીને મિક્સરમાં નાખીને પીસીને ચાળી લો. અહીં એક કડાઈમાં દૂધ નાખી મીડીયમ તાપ પર દૂધને હલાવતા રહો. થોડી વાર પછી દૂધમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. લગભગ 5 મિનિટ પછી તેમાં કાજુની પેસ્ટ, ખાંડ અને બદામ પાવડર અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરો.
હવે તેમાં ફુદીનાની પેસ્ટ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ થયા પછી ગેસ બંધ કરી થોડી વાર ઠંડુ થવા માટે બાજુમાં મુકો. મિશ્રણ ઠંડું થઈ જાય પછી બેટરને કુલ્ફીના મોલ્ડમાં નાખીને લગભગ 4-5 કલાક માટે ફ્રિજમાં રાખો. જો તમને આજની આ સ્પેશિયલ ઉનાળુ રેસિપી પસંદ આવી હોય તો આવી જ અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.