50 એ વય છે જ્યારે મોટાભાગની સ્ત્રીઓ મેનોપોઝ અને પ્રી મેનોપોઝલ તબક્કાની આસપાસ હોય છે. મેનોપોઝ તેમના શરીરને હોર્મોન્સ, હાડકાના સ્વાસ્થ્ય, યાદશક્તિ, ઊંઘનો અભાવ વગેરેને ઘણી રીતે અસર કરતુ હોય છે.
આ પડકારો ઘણીવાર હોર્મોનલ ફેરફારો સાથે સંકળાયેલા હોય છે, પરંતુ તે પોષક તત્ત્વોની ઉણપ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. હોર્મોન્સ તમારા મૂડથી લઈને તમારી ઊંઘ સુધી અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરી શકે છે.
જ્યારે સ્વાસ્થ્યના આ આવશ્યક તત્વો અસંતુલિત થઈ જાય છે ત્યારે તે તમારા શરીર પર જોખમી સાબિત થઇ શકે છે. આ તે તબક્કો છે જ્યાં સ્ત્રીને પરિવાર તરફથી વધુ ભાવનાત્મક સપોર્ટની જરૂર હોય છે અને શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને સહન કરવા માટે વધુ પોષણની પણ જરૂર હોય છે.
જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમને જરૂરી તમામ વિટામિન્સ અને પોષક તત્ત્વો મેળવવું પહેલા કરતા વધુ જરૂરી બની જાય છે. આ 3 પોષક તત્ત્વો એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે જેને ડાઈટ અથવા સપ્લીમેન્ટ દ્વારા સમાવેશ કરવાની ખાસ જરૂર છે
કેલ્શિયમ અને મેગ્નેશિયમ : પર્યાપ્ત કેલ્શિયમનું સેવન (પર્યાપ્ત વિટામિન-ડીના સેવનની હાજરીમાં) હાડકાના નુકશાનને અટકાવવા અને પેરી- અને પોસ્ટમેનોપોઝલ સ્ત્રીઓમાં ફ્રેક્ચરનું જોખમ ઘટાડવા માટે દર્શાવવામાં આવ્યું છે. કેલ્શિયમના કુદરતી સ્ત્રોતોમાં ડ્રાયફ્રુટ, બીજ, ડેરી પ્રોડક્ટ, માછલી, કઠોળ, દાળ, લીલા પાંદડાવાળા શાકભાજી, સોયાબીન, ટોફુ વગેરે છે.
મેગ્નેશિયમ ડિપ્રેશનના લક્ષણો ઘટાડે છે. મેગ્નેશિયમ વિટામિન-ડીના શોષણ માટે પણ જવાબદાર છે. તે સ્નાયુઓને સમર્થન આપે છે અને મસલ્સ તણાવ ઘટાડે છે. તે બ્લડ પ્રેશર અને હૃદયની તંદુરસ્તીમાં પણ મદદ કરે છે. તમારા આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકમાં, તુલસીના પાન, ભીંડા, કોળાના બીજ, કાજુ, બદામ, પાલક, ખજૂરનું સેવન કરી શકો છો.
વિટામિન ડી : કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ માટે વિટામિન-ડી મહત્વપૂર્ણ છે. વિટામિન-ડી હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે અને તે રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરે છે. વિટામિન-ડી ગંભીર ફ્લૂ અને કોવિડ-19 ની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે.
વિટામિન-ડી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. વિટામિન-ડી એ હાડકાની ઘનતા અને હાડકાના ફ્રેક્ચરને ઘટાડવામાં મદદ કરે છે. વિટામિન-ડીની ઉણપથી ડિપ્રેશન, ચિંતા અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, કુદરતી વિટામિન-ડી માટે સૂર્યપ્રકાશ લો અને તમારા આહારમાં દૂધની બનાવટો, ચિકન, ઈંડા, માછલી વગેરેનો સમાવેશ કરો.
વિટામિન બી 12 : અમુક ખામીઓ ચિંતા અને ગભરાટના હુમલાને ઉત્તેજિત કરી શકે છે. જો તમને તાજેતરમાં ચિંતા, ગુસ્સો અથવા અનિદ્રાની સમસ્યાઓ થઈ હોય અથવા જો તે તાજેતરમાં શરૂ થઈ હોય તો કૃપા કરીને વિટામિન-ડી તેમજ B-12ના લેવલની તપાસ કરાવો.
વિટામિન્સ B, ખાસ કરીને વિટામિન B12, ઊર્જા અને નર્વસ સબંધી કાર્ય માટે મહત્વપૂર્ણ છે. આ મુખ્ય પોષક તત્ત્વોનું અવશોષણ ઉંમર સાથે ઘટી શકે છે, તેથી તેને તમારા આહારમાં સામેલ કરો. વિટામિન-બી12ના સ્ત્રોતો મોટે ભાગે પશુ ઉત્પાદનો જેવા કે દૂધ અને દૂધની બનાવટો, ચિકન, માછલી, ઈંડા, માંસ છે.
સંતુલિત જીવન જીવવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે કઈ અશક્ય નથી. સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક, ખાસ કરીને જેમ જેમ તમારી ઉંમર વધે છે, તમારું હોર્મોનલ સ્વાસ્થ્ય છે. ઉપર જણાવેલ વિટામિન એ બધા જરૂરી પોષક તત્ત્વો છે જે કદાચ તમને પૂરતા પ્રમાણમાં મળતા નથી. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.