ઘણીવાર આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ રહેલી હોય છે જેનો આપણે દરરોજ ઉપયોગ તો કરીએ છીએ પરંતુ તેને સારી રીતે સાફ નથી કરી શકતા. ક્યારેક સમયના અભાવે તો ક્યારેક તેને કેવી રીતે સાફ કરવું તે ના જાણવાને કારણે વસ્તુઓ બરાબર સાફ થતી નથી.
આવી જ કેટલીક વસ્તુઓમાંથી એક છે પૂજામાં વપરાતો પિત્તળનો દીવો. પૂજા ઘરમાં સવાર-સાંજ પિત્તળના દીવાઓનો દરરોજ 2 ટાઈમ નિયમિત ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં એવા ઘણા ભાગો હોય છે કે તેને સાફ કર્યા પછી પણ તેમાં ઘી કે તેલ રહી જાય છે.
જો આ દીવાને સમયસર સાફ ન કરવામાં આવે તો તેમાં ગંદકી જમા થાય છે અને તે કાળી દેખાવા લાગે છે. પરંતુ તમે કેટલાક આસાન ઘરગથ્થુ ઉપચારથી જો તમે આ દીવાને નિયમિત રીતે અથવા અઠવાડિયામાં એક કે બે વાર સાફ કરશો તો હંમેશા હમણાં જ નવી લાવ્યા છો તેવી ચમક રહેશે. તો ચાલો તેને સાફ કરવાની સરળ રીતો વિશે જાણી લઈએ.
બટાકાની મદદથી સાફ કરો : પિત્તળનો દીવો સાફ કરવા માટે કુકરમાં બટાકાને બાફી લો અને બાફેલા બટાકાના પાણીમાં થોડીવાર માટે દીવો બોળી રાખવાનો છે. 15 મિનિટ પછી બાફેલા બટાકાના પાણીમાંથી દીવો બહાર કાઢીને તેના પર બાફેલા બટાકાને ઘસો. તેને 2 મિનિટ બટાકાથી સ્ક્રબ કર્યા પછી પાણીથી ધોઈ લો.
લીંબુ અને મીઠાનો ઉપયોગ : પિત્તળના દીવાને સાફ કરવા માટે, સૌથી પહેલા તેને 5 મિનિટ માટે હુંફાળા પાણીમાં મૂકી રાખો. 5 મિનિટ પછી તેને પાણીમાંથી બહાર કાઢી લો અડધા લીંબુના રસમાં એક ચતુર્થાંશ ચમચી મીઠું ઉમેરો. હવે આ મિશ્રણને લીંબુની છાલથી દીવાની ચારે બાજુ ઘસતા દરેક ભાગમાં લગાવો.
એક સોફ્ટ સ્ક્રબથી દીવાના બધા જ ભાગોમાં લીંબુ અને મીઠુંનું મિશ્રણ લગાવો. થોડીવાર માટે આમ જ લગાવીને રહેવા દો અને 10 મિનિટ પછી સ્ક્રબથી ઘસીને પાણીથી સાફ કરો. તમારો જૂનો અને ગંદો પિત્તળનો દીવો આ એક નુસ્ખાથી મિનિટોમાં સાફ થઈ જશે.
તમે લીંબુ સાથે મીઠાની બદલે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. ખાવાનો સોડા કોઈપણ સફાઈ માટેની અસરકારક સામગ્રી છે. તેના ઉપયોગ માટે તમારે અડધા લીંબુના રસ સાથે એક ચપટી ખાવાનો સોડાનો ઉપયોગ કરવાનો રહેશે.
આમલીના પલ્પનો ઉપયોગ કરો : તમે આમલીના પલ્પથી મિનિટોમાં પિત્તળના દીવાને ચમકાવી શકો છો. તેના માટે લગભગ 10 ગ્રામ આમલીને અડધો કલાક પાણીમાં પલાળી રાખો અને જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેનો પલ્પ પિત્તળના દીવામાં ચારેબાજુ લગાવી દો. તેને 15 મિનિટ લગાવેલું રાખ્યા પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. પિત્તળનો દીવો મિનિટોમાં જ સાફ થઈ જશે.
સફેદ વિનેગરનો ઉપયોગ : પિત્તળના દીવાને સાફ કરવા માટે તમારે 2 કપ પાણીમાં લગભગ 4 ચમચી સફેદ વિનેગર ઉમેરવાનું છે. હવે આ મિશ્રણમાં દીવાને 15 મિનિટ સુધી ડુબાડીને રાખવાનો છે. તમે થોડા સમય પછી જોશો કે, દીવાના અલગ અલગ ભાગોમાંથી જમા થયેલું તેલ અને ગંદકી પણ બહાર નીકળી રહી છે અને દીવો સાફ થઈ રહ્યો છે.
આ સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો. જેમ કે, એક ચમચી સફેદ વિનેગરમાં અડધી ચમચી મીઠું ઉમેરીને આ મિશ્રણને પિત્તળના દીવા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી દીવાને સ્ક્રબથી સાફ કરીને પાણીથી ધોઈ લો.
અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સની મદદથી, વધારે મહેનત વગર, તમે મિનિટોમાં પિત્તળના દીવાને નવાની જેમ ચમકાવી શકો છો અને તેમાં એકઠા થયેલા તેલને પણ સાફ કરી શકો છો. જો તમારી જોડે દરરોજ સાફ કરવાનો સમય નથી તો, અઠવાડિયામાં એકવાર જરૂર સાફ કરો જેથી તેની ચમક જળવાઈ રહે.
જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.