પાણીપુરી દરેકને ખાવી ગમે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાણીપુરી પસંદ નહીં હોય. પાણીપુરીનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે. પાણીપુરી એ સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરીને મહિલાઓ માટે તો ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે. કારણ કે મહિલાઓ શાકભાજી ખરીદવા જાય તો પણ પાણીપુરી ખાઈ લે જ છે.
પાણીપુરી ખાવાની મજા લાળી પર જ આવે છે. લગ્ન હોય કે પાર્ટી કે કોઈ પણ પ્રસંગ હોય, પાણીપુરી ન ખાઓ તો મજા નથી આવતી. ઘણી વખત, અચાનક કોઈને પાણીપુરી ખાવાનું મન થાય છે અને આસપાસ કોઈ ગોલગપ્પા નથી હોતી અથવા તો રાત્રે મોડા થઇ ગયું હોય છે.
ક્યારેક કોઈને અલગ-અલગ ફ્લેવરની પાણીપુરી ખાવાનું પણ ગમે છે. પરંતુ બજારમાં ઘણી લાળીઓ પર એક જ પ્રકારના પાણીમાંથી બનાવેલી પાણીપુરી જોવા મળે છે. સ્ટ્રીટ ફૂડમાં મોટાભાગે ફુદીનાના પાણીના ફ્લેવરવાળું પાણીની પાણીપુરી જોવા મળે છે.
તમે પકોડીનું પેકેજ્ગો ખરીદીને તમારી પસંદગીનું પાણી બનાવીને ઘરે શેરી કરતા વધારે ટેસ્ટી પાણીપુરીનો આનંદ લઈ શકો છો. પાણીપુરીનો સ્વાદ પાણીમાંથી જ આવે છે. ઘરે પાણીપુરીનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. આજે અહીંયા તમને પાણીપુરીના પાણીના 5 ફ્લેવર જણાવીશું. તો ચાલો જાણીએ પાણીપુરીનું પાણી બનાવવાની 5 રેસિપી.
1. ફુદીનાનું પાણી બનાવવા માટે સામગ્રી : ફુદીનો 100 ગ્રામ, કોથમીર 50 ગ્રામ, આદુ નાનો ટુકડો, લીલા મરચા 2, લીંબુ 4, પાણીપુરીનો મસાલો 1/2 ચમચી, ખાંડ 1 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, સંચળ ચપટી, કાળા મરી પાવડર ચપટી, મીઠું સ્વાદ મુજબ અને પાણી 600 મિલી.
ફુદીનાનું પાણી બનાવવાની રીત : સૌથી પહેલા ફુદીનો, કોથમીર, આદુ અને લીલા મરચાને મિક્સરમાં પીસી લો. હવે એક બાઉલમાં પાણી લો અને તેમાં ફુદીનાની પેસ્ટ મિક્સ કરો. હવે આ પાણીમાં મીઠું, સંચળ, કાળા મરી પાવડર, ચાટ મસાલો, ખાંડ પાવડર, લીંબુ અને પાણીપુરીનો મસાલો ઉમેરો. હવે આ પાણીને મિક્સ કરીને ગાળી લો. ફુદીનાનું પાણી તૈયાર છે.
2. લીંબુ પાણી માટે સામગ્રી : લીંબુ 3-4, લીલા મરચા 3-4, ખાંડ 2-3 ચમચી, મીઠું 1/2 ચમચી, સંચળ 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, પાણી 600 મિલી. લીંબુ પાણી બનાવવાની રીત : પહેલા મરચાને મિક્સરમાં પીસી લો.ખાંડને પીસીને પાવડર બનાવો.
હવે આ વાટેલા મરચાને એક બાઉલમાં કાઢી લો. આ પીસેલા મરચામાં પાણી ઉમેરો અને મિક્સ કરો. હવે તેમાં મીઠું, ખાંડ પાવડર, સંચળ અને લીંબુ ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સારી રીતે મિક્સ કરો અને પછી પાણીને ગાળી લો, તમારું પાણીપુરીનું લીંબુ પાણી તૈયાર છે.
3. જલજીરાનું પાણી માટે સામગ્રી : જલજીરા 2 ચમચી, લીંબુ 1, ખાંડ 1 ચમચી અને પાણી 500 મિલી. જલજીરાનું પાણી બનાવવાની રીત : સૌથી પહેલા પાણી લો અને તેમાં જલજીરાને મિક્સ કરો. હવે આ પાણીમાં ખાંડ અને લીંબુ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી પાણીને ગાળી લો. તમારું પાણીપુરીનું જલજીરા પાણી તૈયાર છે. જલજીરામાં મીઠું હોવાથી તેમાં અલગથી મીઠું ઉમેરીશું નહીં.
4. હાજમા હજમ માટે સામગ્રી : હજમોલા ગોળીઓ 10-15, લીંબુ 1, ખાંડ 1/2 ચમચી, 2 મોટી ચમચી આમલીનો પલ્પ, નેનો ટુકડો આદુ છીણેલું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી શેકેલું જીરું પાવડર, 1 ચમચી હિંગ, પાણી 600 મિલી. હાજમા હજમા પાણી બનાવવા માટે, હજમોલાની ગોળીઓને થોડીવાર એક પાણીમાં પલાળી રાખો અને જ્યારે ગોળીઓ પાણીમાં ઓગાળી જાય ત્યાં સુધી રાખો.
હવે એક બાઉલમાં પાણી સિવાયની બધી સામગ્રીને મિક્સ કરી લો અને પછી તેમાં હજમોલની ગોળીનું પાણી અને બીજું વધારાનું પાણી ઉમેરીને મિક્સ કરી લો. પાણીપુરીનું હાજમા હજમ ડાયજેસ્ટ પાણી તૈયાર છે, તેને 2 કલાક માટે ફ્રિજમાં મૂકી દો.
5. લસણ પાણી બનાવવા માટે સામગ્રી : લસણ 5-7 કળીઓ, લીલા મરચા 2-3, લીંબુ 1, ખાંડ 1 ચમચી, સંચળ 1/2 ચમચી, કાળા મરી પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ અને પાણી 600 મિલી.
લસણનું પાણી બનાવવાની રીત : સૌપ્રથમ લસણ અને લીલા મરચાને મિક્સરમાં નાખીને પીસી લો. હવે એક બાઉલમાં પાણી લો અને તેમાં 3 ચમચી લસણ અને મરચાની પેસ્ટ નાખીને મિક્સ કરો. આ પાણીમાં લીંબુ, મીઠું, સંચળ, કાળા મરી અને ખાંડનો પાવડર ઉમેરીને મિક્સ કરો અને પાણીને થોડીવાર આમ જ રહેવા દો અને પછી ગાળી લો. તો તૈયાર છે તમારું લસણનું પાણી.
બીજી પદ્ધતિ અપનાવીને થોડો ફેરફાર કરીને પણ તમે 5 પ્રકારના પાણી બનાવી શકો છો. આ માટે સૌપ્રથમ આમલીને પાણીમાં પલાળી દો અને પછી જ્યારે આમલી નરમ થઈ જાય તો તેનો પલ્પ કાઢી લો અને બીજ ફેંકી દો અને પાણી રાખો.
હવે તમે આ આમલીના પાણીમાં મીઠું, લીંબુ અને જીરું પાવડર ઉમેરીને પણ પાણીપુરીની મજા માણી શકો છો અથવા આ આમલીના પાણીમાં અલગ-અલગ મસાલા ઉમેરીને તમે અલગ અલગ ફ્લેવરને ઉમેરી શકો છો.