ladva recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

રસોઈની દુનિયામાં આજે અમે એક એવી લાડવાની રેસિપી વિશે જણાવવા જઈ રહયા છીએ, જે તમને શરીરમાં કમજોરી, લોહીની ઉણપ, કમર-માથાનો દુખાવો, થાક જેવી સમસ્યાઓને હોય તેને દૂર કરે છે.

આ એક એવી રેસિપી છે જેને દિવસમાં માત્ર એક લાડવો ખાવાથી તમને આખા દિવસ સુધી ઉર્જાવાન રાખે છે અને જરૂરી ન્યુટ્રીશન પણ પુરી પાડે છે. તો આવો જાણીયે તેને બનાવવાની રીત.

જરૂરી સામગ્રી 

  • અખરોટ – 250 ગ્રામ
  • સફેદ તલ – 150 ગ્રામ
  • કાળા તલ – 75 ગ્રામ
  • મગફળીના દાણા – 150 ગ્રામ (ફોતરાં વગર)
  • ઘી 100 ગ્રામ

લાડવા બનાવવાની રીત

લાડવા બનાવવા માટે સૌ પ્રથમ અખરોટને મિક્સર જારમાં નાખીને અચકચરા પીસો. અખરોટમાં મેગ્નેસિયમ, સલ્ફર અને આયર્ન હોય છે જે લોહી વધારવામાં અને શરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. અહીંયા અખરોટનો ખુબ જીણો પાઉડર બનાવવાનો નથી, અચકચરા પીસવાના છે, કારણ કે લાડવામાં ક્રન્ચી ટેસ્ટ આવે છે.

હવે સફેદ તલ અને કાળા તલને એક પેનમાં નાખીને રોસ્ટ કરો કે જેથી તેમાં રહેલું મોઇચ્છર દૂર કરી શકાય. પેનમાં લગભગ એક થી દોઢ મિનિટ રોસ્ટ કર્યા પછી ઠંડા થવા દો. જયારે ઠંડા થઇ જાય ત્યારે તલને પણ અખરોટ ની જેમ અચકચરા પીસી લો.

હવે 150 ગ્રામ મગફળીના ફોતરાં વગરના દાણા લો. જે કરિયાણાની દુકાનમાં શેકેલી મગફળી સરળતાથી મળી જશે. તેથી અહીંયા સીધી તેને મિક્સરમાં અચકાચરા પીસી લો. મગફળીની ન્યુટ્રીશન વેલ્યુ કાજુ – બદામ જેટલી જ હોય છે. જે લોકો બદામ નથી ખરીદી શકતા તેઓ મગફળીનું સેવન કરી શકો છો.

આ પણ વાંચો : રોગપ્રતિકારક શક્તિ ઘોડા જેવી થઇ જશે, આ રીતે બનાવો આમળાના લાડવા

હવે આ પીસેલી ત્રણેય વસ્તુ અખરોટ, તલ અને મગફળીના દાણાને એક બાઉલમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં 100 ગ્રામ ઘી ઉમેરીને સારી રીતે હાથની મદદથી ઘી ભરી જાય તે રીતે મિક્સ કરી લો.

હવે એક કડાઈને ગેસ પર મુકો. મીડીયમ ગેસ રાખીને 750 ગ્રામ ગોળને કડાઈમાં નાખો. હવે ગોળને હલાવતા રહો જ્યાં સુધી તે પીગળી ના જાય. જયારે સારી રીતે ગોળ ઓગળી જાય ત્યારે ગેસ બંદ કરો અને કડાઈમાં પીસેલી ત્રણ વસ્તુનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી.

હવે મિશ્રણને થોડું ઠંડુ થવા દો. અહીંયા આ મિશ્રણને એકદમ ઠંડુ દેવાનું નથી, નહીંતર લાડવા સારી રીતે બનશે નહિ. થોડું ઠંડુ થઇ ગયા પછી, હાથમાં ઘી લગાવીને ગોળ ગોળ લાડવા બનાવી લો. તો તૈયાર છે પૌષ્ટિક લાડવા. લાડવા બનાવતી વખતે જો મિશ્રણ ઠંડુ થઇ જાય તો થોડું ગરમ પણ કરી શકો છો.

હવે આ તૈયાર થયેલા લાડવાને તમે તેને કોઈ કન્ટેનરમાં ભરીને 10 થી 15 દિવસ આરામથી સ્ટોર કરી શકો છો અને દરરોજ તમારા આહારમાં તેનો સમાવેશ કરી શકો છો. તો તમે પણ આ ચોમાસામાં એકવાર બનાવો એનર્જીથી ભરપૂર લાડવા.

નોંધ : અખરોટ, તલ અને મગફળીને અલગ અલગ પીસવું, કારણ કે, અમુક વસ્તુ જલ્દીથી પીસાઈ જાય અને અમુક વસ્તુને પીસાવામાં થોડો સમય લાગી શકે છે, તેથી જો બધી સામગ્રીને એકસાથે મિક્સ કરીને પીસવામાં આવે તો જે વસ્તુ ઝડપથી પીસાઈ જાય તેનો પાઉડર બની જાય છે.

ફાયદા : ચોમાસાની શરૂઆત થતા જ, કેટલાક લોકોને સાંધાના દુખાવા, કમરનો દુખાવો, માથાનો દુખાવો થતો હોય તે લોકોએ તલનું સેવન અવશ્ય કરવું જોઈએ.

મગફળીમાં પ્રોટીન અને કાર્બોહાઈટ્રેટ હોવાની સાથે સાથે તે શક્તિ વધારનારી અને પૌષ્ટિકવર્ધક પણ હોય છે. ગોળ ઇમ્યુનીટી વધારે છે અને શરીરના થાક ને પણ દૂર કરે છે. આ લાડવા શરીરમાં લોહી વધારવા માટે અને હાડકાને મજબૂત બનાવવામાં પણ ખુબ જ ઉપયોગી છે.

તો હવે વરસાદનું આગમન થઇ ગયું છે. તમે પણ આ રેસિપી એકવાર ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો. જો તમને આ લાડવાની રેસિપી પસંદ આવી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે આવી જ રેસિપી જાણવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા