Homeગુજરાતીઝારા વગર, કંદોઈની દુકાન જેવી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ, ફૂલવડી બનાવવાની રીત

ઝારા વગર, કંદોઈની દુકાન જેવી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ, ફૂલવડી બનાવવાની રીત

ફુલવડી સૌની મનપસંદ સ્વાદિષ્ટ અને ક્રન્ચી ગુજરાતી નાસ્તો છે. તે બરછટ બેસન અને કેટલાક મસાલાઓમાંથી તૈયાર કરવામાં આવતો નાસ્તો છે. જો તમે પણ દિવાળીમાં નાસ્તો બનાવવા જય રહયા હોય તો આ રીતે ફૂલવાડી ઘરે જરૂર બનાવીને ટ્રાય કરો, દરેકને પસંદ આવશે.

એકદમ ફરસાણવાળાની દુકાન જેવી અને ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ, આ ફૂલવડીને ઘરે બનાવવી ખુબ જ સરળ છે. આજે અમે તમને ઝારા વગર કેવી રીતે બનાવી શકો તે વિશે પણ જણાવીશું. તો આવો જાણીએ ફુલવડી બનાવવાની સરળ રીત.

સામગ્રી : 2 ચમચી ધાણા, 2 ચમચી કાળા મરી, 5 ચમચી દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી વરિયાળીના બીજ, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી ખાંડ, ¼ ટીસ્પૂન સાઇટ્રિક એસિડ લિમ્બુના ફૂલ, 3 ચમચી તેલ, 1 કપ બરછટ ચણાનો લોટ, 1 કપ રેગ્યુલર ચણાનો લોટ, ચપટી ખાવાનો સોડા અને તળવા માટે તેલ.

બનાવવાની રીત : સૌ પ્રથમ એક પેનમાં ધાણા અને કાળા મરી નાખીને અડધી મિનિટ શેકી લો, જેથી તેમાં મોઈશ્ચર ના રહે. શેકી લીધા પછી પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં નાખીને બરછટ પીસી લો.

હવે એક બાઉલમાં દહીં, મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, સફેદ તલ, વરિયાળી, ખાંડ, એક ચપટી લીંબુના ફૂલ, પીસેલા કાળા મારી અને ધાણા અને 3 ચમચી તેલ ઉમેરીને સારી રીતે હલાવીને મિક્સ કરો.

હવે તેમાં 1 કપ બરછટ ચણાનો લોટ અને 1 કપ રેગ્યુલર ચણાનો લોટ ઉમેરીને હાથથી મદદથી સારી રીતે મિક્સ કરો અને લોટ બાંધી લો. હવે લોટને ઢાંકીને 35-40 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મુકો. એક નાની વાટકીમાં ખાવાનો સોડા અને પાણી મિક્સ કરો અને તેને કણકમાં ઉમેરીને સારી રીતે લોટ ગુંદી લો.

હવે સૌથી મહત્વનું સ્ટેપ આવે છે, ફૂલવડીના લોટને ઢીલો કરવાનો છે જેથી તેને ઝારાની મદદથી સારી રીતે પાડી શકાય. તો આ માટે લોટમાં ધીમે ધીમે પાણી ઉમેરો અને નરમ લોટ તૈયાર કરો. હવે તળવા માટે તેલ ગરમ કરો અને ફુલવડી ઝારાનો ઉપયોગ કરીને ફુલવાડી બનાવવાનું શરૂ કરો. આ માટે પહેલા ઝારાને તેલથી ગ્રીસ કરો.

થોડી માત્રામાં ફુલવડીનો લોટ લો અને તેને ફુલવડી ઝારા પર મુકો. હવે એક હાથે ઝારો પકડી રાખો અને બીજા હાથે લોટને ઝારા પર દબાવો. તમે જોશો કે ફુલવડીનો લોટ ઝારાના મોટા કાણામાંથી પસાર થઈને ગરમ તેલમાં પડતી જશે.

ફુલવડી તેલમાં પડે એટલે તરત જ આંચ થોડી ધીમી કરો અને ફુલવડીને સરસ અને ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. જો તમારી પાસે ફુલવડીનો ઝારો નથી તો પ્લાસ્ટિકની થેલીને તેલથી ગ્રીસ કરો. પછી તેમાં ફુલવડીનો લોટ નાખીને પ્લાસ્ટિકની થેલીમાંથી કોન બનાવી લો.

શંકુના આગળના ભાગને કાપીને કોનની મદદથી ફુલવડીને પાડતા જાઓ અને નીચેથી કાતરથી નાની નાની ફુલવડીને કાપતા જાઓ. બસ આ રીતે ધીમા તાપે તળી લો. આ રીતે તમે તમે દિવાળીમાં નાસ્તા માટે ફુલવડી બનાવી શકો છો.

સૂચના : બરછટ બેસન અને રેગ્યુલર બેસન બંને પ્રકારના લોટનું પ્રમાણ સરખું હોવું જોઈએ. ખાવાના સોડાને પાણી ઉમેરીને પાતળો કરો અને પછી લોટમાં ઉમેરો. થોડું-થોડું પાણી ઉમેરો અને કણકનો રંગ બદલાય અને નરમ થાય ત્યાં સુધી લોટ ગુંદતા રહો.

ઝારા વડે ફૂલવડી બનાવતી વખતે લોટને ઘસવાનો નથી, તેને દબાવવાનો છે. ફુલવાડીને ધીમી આંચ પર જ તળો. લીંબુના ફૂલ ન હોય તો તમે આમચૂર પાવડરને ઉમેરી શકો છો અથવા દહીં સહેજ ખાટું લઇ શકો છો.

એકવાર ફુલવડી તળી લો, તેના 1 કલાક પછી તેને હવાચુસ્ત ડબ્બામાં કે કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. આશા છે કે તમને હવે ફૂલવડી બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે. રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે આવી જ રેસિપી જાણવા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES

Most Popular