churma ladoo recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘઉંના લોટમાંથી ઘણી મીઠાઈઓ બને છે. પરંતુ જ્યારે તમને મીઠાઈમાં હેલ્ધી મીઠાઈ ખાવાનું મન થાય તો એકવાર આ રીતે ઘરે જ ઘઉંના લોટના સ્વાદિષ્ટ લાડુ જરૂર બનાવીને ટ્રાય કરો. આ લાડુમાં ડ્રાયફ્રુટનો પણ સમાવેશ કરેલો છે, તેથી આ લાડુ શક્તિથી ભરપૂર, થાકને દૂર કરનાર છે.

આ લાડુ ખાવામાં ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને સ્વાથ્ય માટે સારા છે. જો તમે તેને એકવાર ઘરે બનાવશો તો 15 થી 20 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો, કારણ કે આ આટા લાડુ જલ્દી બગડતા નથી અને ખૂબ જ ઓછા સમયમાં ઘરે બની જાય છે.

સામગ્રી : ઘઉંનો લોટ 500 ગ્રામ, દેશી ઘી 6 મોટી ચમચી, છીણેલું સૂકું નારિયેળ 100 ગ્રામ, થોડી સમારેલી બદામ 50 ગ્રામ, કાજુ 50 ગ્રામ, સમારેલી સૂકી ખારેક 50 ગ્રામ, મખાના 50 ગ્રામ, સુકા આદુનો પાઉડર 50 ગ્રામ, બૂરું ખાંડ 100 ગ્રામ.

ઘઉંના લોટના લાડુ બનાવવાની રીત : લાડુ બનાવવા માટે સૌપ્રથમ ગેસ પર એક કઢાઈ મૂકો અને તેમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થયા પછી કઢાઈમાં થોડા ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ જેવા કે ખારેક, કાજુ, બદામ અને અડધો કપ છીણેલું નાળિયેલ ઉમેરો.

હવે ડ્રાય ફ્રૂટ્સને મધ્યમ તાપ પર સતત હલાવતા રહો અને સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકો. ત્યાર પછી તેને કઢાઈમાંથી એક મોટા વાસણમાં કાઢી લો.

હવે ફરીથી કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં એક કપ મખાના ઉમેરો અને તેને સતત હલાવતા રહો જ્યાં સુધી મખાના ઉપરથી કડક ન થઈ જાય. મખાના સારી રીતે ફ્રાય થઇ જાય એટલે મખાનાને એક વાસણમાં કાઢી લો.

હવે લોટને શેકવા માટે એક કડાઈમાં અડધો કપ ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થાય, એટલે કઢાઈમાં બે કપ ઘઉંનો લોટ ઉમેરો અને તેને સતત હલાવતા રહો જ્યાં સુધી લોટ આછો સોનેરી રંગનો ન થાય અને તેમાંથી સુગંધ ના આવવા લાગે.

જ્યારે લોટનો રંગ ધીરે ધીરે બદલાવા લાગે તો તેમાં 50 ગ્રામ સૂકા આદુનો પાવડર ઉમેરીને લોટમાં મિક્સ કરી લો અને તેને એકદમ સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકતા રહો. જ્યારે લોટ અને સૂકા આદુનો પાવડર બંને સારી રીતે શેકાઈ જશે તો તેમાંથી આદુની સરસ સુગંધ આવશે, પછી ગેસ બંધ કરીને લોટને શેકેલા ડ્રાયફ્રૂટ્સવાળા વાસણમાં કાઢી લો.

હવે શેકેલા મખાનાને મિક્સર જારમાં નાખીને પીસી લો અને પછી એ જ મોટા વાસણમાં કાઢી લો.
હવે શેકેલો લોટ, ડ્રાયફ્રૂટ્સ અને મખાનામાં એક કપ બૂરું ખાંડ ઉમેરો અને બધી વસ્તુઓને સારી રીતે હાથની મદદથી મિક્સ કરો.

આ પછી તેમાં બેથી ત્રણ ચમચી ઘી ઉમેરીને, ફરીથી બધું બરાબર મિક્સ કરી લો. તો લાડુનું મિશ્રણ તૈયાર થઇ ગયું છે. હવે તમારા હાથમાં થોડું મિશ્રણ લઈને, તમારી પસંદ મુજબ નાની કે મોટી સાઈઝના લાડુ બનાવી લો.

લાડુ બનાવ્યા પછી તેને એક થી દોઢ કલાક સુધી ખુલ્લી હવામાં રાખો, જયારે લાડુ હળવા ચુસ્ત થઈ જાય પછી જ તેને બરણી કે ડબ્બામાં ભરીને સ્ટોર કરો. તમે આ લાડુને 15 થી 20 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો.

નોંધ : ઘઉંના લોટના લાડુ બનાવવા માટે તેમાં સૂકા આદુનો પાઉડર અવશ્ય નાખવો જ જોઈએ, કારણ કે સૂકા આદુના પાઉડર સાથે આ ઘઉંના લાડુ ખાવામાં સ્વાદિષ્ટ બને છે અને તે ખાવામાં પણ હેલ્ધી હોય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા