bajra no rotlo recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કાઠીયાવાડી વાનગી બધાને પસંદ હોય છે અને આપણે આનંદથી કાઠીયાવાડી ભોજન ખાઈએ છીએ. તો આજે અમે તમને જણાવવા જય રહયા છીએ રોટલાની રેસિપી. તમે રોટલાને થાબડીને કે ટીપીને રોટલો બનાવેલો હશે, પણ આજે અમે તમને જણાવવા જઈ રહયા છીએ વેલણની મદદથી કેવી રીતે રોટલો બનાવી શકાય.

પણ ઘણી બહેનોને રોટલા બનાવતા નથી આવડતા અને તેમને મૂંઝવણ હોય છે કે બાજરીના રોટલા કેવી બનાવવા. તો તમારી આ મૂંઝવણને દૂર કરવા માટે, તમે એકદમ નવી જ રીતે એટલે કે રોટલાને ટીપીને કે થાબડ્યા વગર રોટલો બનાવી શકો છો.

ઘણા લોકોને એવું થાય છે કે તેમણે રોટલા થાબડતા કે ટિપતા તો આવડે છે પણ રોટલા શેકતી વખતે રોટલામાં તિરાડ પડી જાય છે. તો આજે તેના વિશે પણ જોઈશું, તેની પણ ટીપ્સ આપીશું જેથી તમારા રોટલા ફૂલીને દડા જેવા થશે.

સૌ પ્રથમ બાજરીના રોટલા બનાવવા માટે લોટ બાંધવાનો છે. લોટ બાંધવા માટે, સૌથી પહેલાં મોટું વાસણ લો, કે જેમાં તમે સહેલાઈથી બાજરીનો લોટ મસળી શકો. સૌથી પહેલા લોટ ચાળી લો અને લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને લોટને મિક્સ કરો.

હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈને લોટ બાંધો. અહીંયા એક્સાથે પાણી ઉમેરીને લોટ બાંધવાનો નથી. થોડું થોડું પાણી ઉમેરીને સારી રીતે લોટ મસળતા જાઓ અને લોટ બાંધો. હવે કણકને હાથની એડીની મદદથી મસળી લો. લોટ સારી રીતે મસળાઇ જશે એટલે લોટમાં થોડી ચીકાશ આવી જશે.

હવે બાંધેલા લોટમાંથી ગોળ લુવા બનાવી લો. હવે એક રોટલી વણવાની પાટલી અને વેલણ લો. આ પાટલી પર એક પ્લાસ્ટિક પેપર રાખો. તમે પ્લાસ્ટિક ની કોથળી ને ગોળ કાપીને પણ રાખી શકો છો. હવે લુવાને પ્લાસ્ટિક પેપર પર મૂકીને તેના પર એક બીજું પ્લાસ્ટિક પેપર મુકો. (પાપડ બનાવીએ છીએ તે રીતે).

હવે રોટલાને રોટલી ની જેમ વણો. અહિયાં તમે તમારા માપ પ્રમાણે જાડો કે પાતળો રોટલો વણી શકો છો. અહિયાં તમારે રોટલાને ફાટવાની કે તિરાડ પડવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આરામથી આ રોટલાને વણી શકો છો.

રોટલો વણાઈ જાય, પછી ઉપર અને નીચેનું પ્લાસ્ટિક પેપર સાચવીને કાઢી લો. હવે માટીની તાવડી(કલાવડી) હોય તેમાં રોટલાને સાચવીને પાથળી દો. ધ્યાન રાખો કે નીચે હવા નાં રહી જાય. જો રોટલાની નીચે હવા રહી જશે તો તેમાં ભમરો પડી જશે.

ભમરો પડવો એટલે કે રોટલાની નીચે ગોળ રાઉન્ડ થશે અને રોટલો ત્યાં બળી જશે. રોટલો નાખ્યા પછી ઉપર હળવેથી હાથ ફેરવી દો જેથી તેમાં હવા ના રહે.

રોટલાનું પહેલું પડ કાચુ-પાકું થાય એટલે તેને બીજી બાજુ પલટાવી નાખો. રોટલાની બીજી બાજુ ને સારી રીતે પકાવો. બીજી બાજુ સારી રીતે શેકાઈ જાય એટલે ફરીથી તેને પલટાવી લો. હવે તમે જોઈશે શકશો કે તમારો રોટલો ફુલવા લાગ્યો હશે. તો અહિયાં તમારે રોટલાને દડા જેવો સારી રીતે શેકાઈ જાય એટલે તેને તાવડીમાંથી બહાર કાઢી લો.

જો તમારે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રોટલો ખાવો હોય તો, તમારે આ રોટલાની ઉપર નું પડ (રોટલાની પોપટી કહી શકો) છે તેને કાઢી લો. હવે આખા રોટલા પર ચમચીની મદદથી ઘી લગાવી દો. આ પછી ઉપર નું પડ બંધ કરી દો. તો અહિયાં તમારો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રોટલો બનીને તૈયાર થઇ જશે.

ટિપ્સ : તાવડી જ્યારે બરાબર ગરમ થાય ત્યારે જ રોટલો નાખવાનો છે નહિ તો તમારા રોટલામાં તિરાડ પડી જશે. તમે અહીંયા પ્લાસ્ટિક ની કોથળી ના હોય તો, પાપડ બનાવવામાં ઉપયોગ મા લેવામાં આવતા પ્લાસ્ટિક પેપર લઇ શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને જણાવજો. તો આવી જ ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી ઘરે બેસી જાણવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા